Diwali vacation : કેલિફોર્નિયામાં ભારતીયોની દિવાળી સુધરી, રાજ્યએ આપી ભારતીયોને રજાની ભેટ

ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે ખુશીના સમાચાર છે. કેલિફોર્નિયાએ દિવાળીની સત્તાવાર રજા જાહેર કરી છે. આમ, કેલિફોર્નિયા ભારતીય તહેવારોની રજા આપનાર USAનું ત્રીજું રાજ્ય બન્યું છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુઝમે જણાવ્યું હતું કે, તેમણે એસેમ્બલી મેમ્બર એશ કાલરા દ્વારા દિવાળીમાં રજા માટે રજૂ કરાયેલા બિલ પર હસ્તાક્ષર કર્યા છે.
કેલિફોર્નિયામાં ભારતીયોની મોટી વસ્તી
સપ્ટેમ્બરમાં, દિવાળી માટે સત્તાવાર રજા જાહેર કરતું બિલ, AB 268, કેલિફોર્નિયા વિધાનસભાના બંને ગૃહોમાં સફળતાપૂર્વક પસાર થયું હતું. જેના પર ગવર્નર ગેવિન ન્યુઝમના અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી. એશ કાલરાએ ગયા મહિને કહ્યું હતું કે, “કેલિફોર્નિયા ભારતીય અમેરિકનોની સૌથી મોટી વસ્તી ધરાવતું રાજ્ય છે અને દિવાળીમાં સત્તાવાર રજા જાહેર કરવાથી લાખો કેલિફોર્નિયાવાસીઓ તેનો સંદેશ આપશે અને આપણા વિવિધ રાજ્યમાં બીજા લોકોને પણ તેને સ્વીકારવામાં મદદ મળશે”
આ રાજ્યોમાં પહેલાથી જ રજાઓ
કાલરાએ કહ્યું, “દિવાળી સદ્ભાવના, શાંતિ અને નવીકરણની સહિયારી ભાવનાના સંદેશ સાથે સૌને એકસાથે લાવે છે. કેલિફોર્નિયાએ દિવાળી અને તેની વિવિધતાને સ્વીકારવી જોઈએ, તેને અંધારામાં છુપાવવી જોઈએ નહીં.” ઓક્ટોબર 2024માં, પેન્સિલવેનિયા દિવાળીની સત્તાવાર રજા આપનાર રાજ્ય તરીકે માન્યતા આપનાર પ્રથમ રાજ્ય બન્યું. કનેક્ટિકટે આ વર્ષે તેનું અનુકરણ કર્યું. ન્યુયોર્ક સિટીએ દિવાળી પર જાહેર શાળામાં રજા જાહેર કરી છે.
ભારતીય અમેરિકન સમુદાય ખુશ
સમુદાયના નેતાઓ અને અગ્રણી સંગઠનોએ કેલિફોર્નિયામાં દિવાળીની રજા આપતું રાજ્ય જાહેર કરવાની શરૂઆતનું સ્વાગત કર્યું છે. અન્ય સંગઠનોએ કહ્યું, આ બદલાવ માત્ર દિવાળીની જીવંતતા જ નહીં પરંતુ સમગ્ર USAમાં ભારતીય અમેરિકન સમુદાયના કાયમી પ્રભાવને પણ પ્રતિબિંબિત કરે છે. ઇન્ડિયાસ્પોરાના સ્થાપક અને પ્રમુખ M.R રંગાસ્વામીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક નિર્ણય ભારતીય અમેરિકનોની પેઢીઓનું સન્માન કરે છે જેમણે કેલિફોર્નિયાના વિકાસ અને સફળતામાં ફાળો આપ્યો છે.