ગુજરાતના બે શહેરોમાં જાહેર આરોગ્ય સાથે ગંભીર બેદરકારીની ઘટના, ખોરાકમાંથી વંદો અને જીવતી ઈયળ મળી

ગુજરાતના બે શહેરોમાં જાહેર આરોગ્ય સાથે થયેલી ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. નડિયાદની એક જાણીતી હોટલની વાનગીમાંથી વંદો મળ્યો હતો, જ્યારે રાજકોટની એક ડેરીમાં વેચાતી મીઠાઈમાં જીવતી ઈયળ જોવા મળતાં ચકચાર મચી ગઈ છે. તહેવારોના સમયે આવા કિસ્સાઓ સામે આવતાં તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
પનીર ચિલીમાંથી નીકળ્યો વંદો
નડિયાદના વલ્લભનગર ચોકડી નજીક આવેલી રવિન્દ્ર નાનકિંગ હોટલમાંથી પેક કરાવી લેવામાં આવેલા પનીર ચિલીમાંથી મરેલો વંદો નીકળતાં હંગામો સર્જાયો હતો. આ ઓર્ડર નડિયાદ નગરપાલિકાના પૂર્વ ચેરમેનના ભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. ઘરે જઈને ઓર્ડર ખોલતા વાનગીમાં મૃત વંદો જોવા મળતાં તાત્કાલિક ફરિયાદ નોંધાવાઈ હતી.
મામલાની ગંભીરતા જોતા નડિયાદ નગરપાલિકાના આરોગ્ય વિભાગે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફક્ત વંદો જ નહીં, પણ હોટલમાં ગંદકી અને આરોગ્યના નિયમોની ઉલ્લંઘના પણ સામે આવી હતી. પરિણામે તંત્રએ હોટલને તાત્કાલિક સીલ કરી દીધી છે.
રાજકોટમાં મીઠાઈમાં મળી જીવતી ઈયળ
રાજકોટના યુનિવર્સિટી રોડ નજીક આવેલા પુષ્કરધામ ચોક પાસેની જશોદા ડેરીમાંથી એક ગ્રાહકે મીઠાઈ ખરીદી હતી, જેમાં જીવતી ઈયળ દેખાતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. આ મામલો જાહેર થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે.
શું માત્ર દેખાવ પૂરતું ચેકિંગ?
આમ તો તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોની માંગણી વધે છે, ત્યારે ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા તંત્રની જવાબદારી વધી જાય છે. તેમ છતાં ખોરાકમાંથી વંદા અને મીઠાઈમાંથી જીવંત જીવાત મળવી એ ગંભીર બેદરકારી તરફ ઈશારો કરે છે.
ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓમાં પિઝા, બર્ગર, ગાર્લિક બ્રેડ અને મસાલા પાપડમાં જીવાત જોવા મળી હતી, છતાં તંત્ર દ્વારા ફક્ત નોટિસ આપી અને દંડ ફટકારીને મુદ્દો સમાપ્ત કરી દેવાતો હોવાનું ગ્રાહકોનું માનવું છે. આવી સ્થિતીમાં લાંબા ગાળાના કડક પગલાં વગર આવી ઘટનાઓ પુનરાવૃત્તિ પામે તેવી શક્યતાઓ વધે છે.