India Under-19 Teamની ઓસ્ટ્રેલિયાની ધરતી પર શાનદાર જીત, માત્ર 886 બોલમાં જ ટેસ્ટ મેચ પુરી

ભારતની અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર અદ્ભુત વિજય હાંસલ કર્યો છે. કેપ્ટન આયુષ મ્હાત્રેના નેતૃત્વ હેઠળ ભારતીય યુવા ટીમે બે મેચોની યુથ ટેસ્ટ શ્રેણી 2-0 થી જીતી હતી. ઓસ્ટ્રેલિયા જેવી પરિસ્થિતિઓમાં વિજય મેળવો એ ખૂબ મોટી સિદ્ધિ ગણાય છે અને ભારતે આ સિદ્ધિ એક શાનદાર પ્રદર્શન દ્વારા મેળવી હતી.
વેસ્ટ ઇન્ડીઝનો 992 બોલમાં યુવા ટેસ્ટ જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો
મહત્ત્વની વાત એ છે કે બીજી ટેસ્ટ મેચ ફક્ત 886 બોલમાં એટલે બે દિવસમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. જોકે અહીં ભારતીય બોલર્સના ઘાતક પ્રદર્શને ઓસ્ટ્રેલિયાના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો. આ જીત સાથે ભારતે 1995માં બનેલો વેસ્ટ ઇન્ડીઝનો 992 બોલમાં યુવા ટેસ્ટ જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો અને નવો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો.
વૈભવ સૂર્યવંશીએ શાનદાર સદી ફટકારી હતી
આ શ્રેણી દરમિયાન યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ શાનદાર રમત દેખાડી હતી. તેણે બે ટેસ્ટમાં કુલ 133 રન ફટકાર્યા, જેમાં એક શાનદાર સદીનો સમાવેશ થાય છે. તેની બેટિંગ ટીમ માટે સ્થિરતા લાવનાર સાબિત થઈ. વૈભવની મજબૂત ઈનિંગ્સ અને કેપ્ટન આયુષની રણનીતિ ભારતના વિજયમાં મોખરાનું યોગદાન રહી.
ઓસ્ટ્રેલિયનના બેટરનો બંને ઈનિંગમાં ધબડકો
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઈન નિષ્ફળ ગઈ હતી. પ્રથમ ઇનિંગમાં ટીમ ફક્ત 135 રન બનાવી શકી હતી. જેમાં કેવળ વિકેટકીપર એલેક્સ લી યંગ જ 66 રન બનાવવામાં સફળ રહ્યો હતો. બીજી ઇનિંગમાં પણ સ્થિતિ સુધરી નહીં અને ટીમ 116 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીત માટે ફક્ત 81 રનની જરૂર હતી. જે તેણે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો.