Illegal firecracker : ધ્રાંગધ્રામાં ફટાકડાના લાયસન્સ વગરના સ્ટોલ સીલ, લાખોનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં દિવાળીની પહેલા જ ફટાકડાના અપ્રમાણિત સ્ટોલ સામે તંત્ર સજાગ બન્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પરવાનગી વિના ચાલી રહેલા ફટાકડાના સ્ટોલ પર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રૂ. 20 લાખના ફટાકડા જપ્ત
પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની આગેવાની હેઠળની ટીમે અચાનક દરોડા પાડી ત્રણ અલગ અલગ જગ્યાએ સ્થિત બિનકાયદેસર ફટાકડા વેચાણના સ્ટોલમાંથી અંદાજે રૂ. 20 લાખના ફટાકડા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત એક દુકાન અને ઘર જેનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો, તેને સીલ કરી દેવાયું છે.
લાયસન્સ વગરના સ્ટોલ સીલ
દર વર્ષે દિવાળીના પર્વે લાયસન્સ વગરના સ્ટોલ દ્વારા ફટાકડા વેચાણ થાય છે, જ્યાં સલામતી માટે કોઈ વ્યવસ્થા નથી હોતી અને પરિણામે ભવિષ્યમાં દુર્ઘટનાઓ સર્જાવાની શક્યતા રહે છે. આવી સ્થિતિને અટકાવવા માટે પ્રાંત અધિકારી, મામલતદાર અને રેવન્યૂ વિભાગની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી. આ પગલાંથી શહેરમાં અન્ય ગેરકાયદેસર સ્ટોલ ધીમે ધીમે બંધ થવાની શરૂઆત થઈ છે.