Accident : બાવળા-બગોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત: બગોદરા પોલીસ સ્ટેશનના ASIનું ઘટનાસ્થળે જ મોત

અમદાવાદ ગ્રામ્યમાં બાવળા-બગોદરા રોડ પર થયેલા અકસ્માતે પોલીસેમાં શોકની લાગણી ફેલાવી છે. બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) ગંભીરસિંહ દાનુભા સોલંકી (ઉંમર 48)નું આજે બપોરે થયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, ASI સોલંકી તેમની કેરી કારમાં બગોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાયલા ગામ નજીક અચાનક વાહનનું નિયંત્રણ ગુમાવી બેઠા. કાર પહેલા ડિવાઇડર સાથે અથડાઈ અને પછી સ્ટ્રીટલાઇટના થાંભલા સાથે જોરદાર ટક્કર ખાતાં વાહનનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો.
ગંભીર ઇજાઓને કારણે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મોત થયું હોવાનું GIDC પોલીસે જણાવ્યું છે.
વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની
ઘટનાસ્થળે તરત જ પોલીસ દળ પહોંચ્યું અને માર્ગ પર ભીડ ન સર્જાય તે માટે ટ્રાફિકનું સંચાલન હાથ ધરાયું. મૃતદેહને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ શોકનું મોજું ફેલાયું હતું. સ્થાનિક રહેવાસીઓ મુજબ, આ માર્ગ પર વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. ભારે વાહન વ્યવહાર, ખાડાઓ અને સ્પીડના નિયમોના ઉલ્લંઘનને કારણે માર્ગ જોખમજનક બની ગયો છે.
પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં વાહનનો ટેક્નિકલ ફોલ્ટ કે ઓવરસ્પીડિંગની શક્યતાઓ પણ તપાસ હેઠળ છે.