Suratમાં મામાએ જ ભાણેજના 7 ટુકડા કરી પતાવી દીધો, યુટ્યૂબમાં જોઈ હત્યાનું પ્લાનિંગ કર્યું

બિહારના અને હાલ સુરતમાં ભાઠેના શિવશક્તિ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય મો. ઇફ્તેખાર વાજીદ અલી, તેમના ભાણેજ મો. આમીર આલમ (ઉ.વ.20) સાથે ભાઠેના વિસ્તારમાં સરખા ભાગે સિલાઈ મશીનનું ખાતું ચલાવતા હતા. મામા ઇફ્તેખાર ભાણેજ આમીર આલમ પાસે ધંધાનો હિસાબ માંગતા હતા, પરંતુ ભાણેજ હિસાબ આપવામાં આનાકાની કરતો હતો. આ બાબતને લઈને બંને વચ્ચે વિવાદ ચાલતો હતો.
ભાણેજ ઊંઘમાં હતો ત્યારે મામાએ માથામાં હથોડી મારી હત્યા કરી નાખી
ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેશ દેસાઈના જણાવ્યા મુજબ, જ્યારે ભાણેજ આમિર પોતાના રૂમમાં ઊંઘમાં હતો ત્યારે ઇફ્તિકારે વજનદાર હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી.
પુરાવાનો નાશ, સજા સુધીની વાતો યુટ્યૂબ પરથી જાણી
આરોપી મામા અને ભાણેજ ભાઠેનાના એક ફ્લેટમાં સાથે રહેતા હતા. જ્યારે અન્ય તેના ભાઈ અને કારીગરો ખાતા પર રહેતા હતા. અવારનવાર હિસાબોના ઝઘડાને લઈ ભાણેજની હત્યા કરવાનો પ્લાન મામાએ મનોમન બનાવી લીધો હતો. હત્યા કઈ રીતે કરવી? પુરાવા કઈ રીતે નાશ કરવા? અને જો પકડાઈ જવાઈ તો કેટલી સજા થાય એની જાણકારી તેણે યુટ્યૂબ પરથી મેળવી હતી. છેલ્લા એક મહિનામાં તેણે 20 વખત આ અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.
હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે લાશના 7 ટુકડા કર્યા
આરોપીએ મર્ડરનું પ્લાનિંગ કર્યા બાદ ઉધનાની દુકાનમાં નવું ખાતું શરૂ કરવાનું કહી ત્યાંથી છરો અને હથોડી ખરીદ્યાં હતાં. હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે લાશના 7 ટુકડા કર્યા હતા. બાદમાં સોમવારની રાત્રે એક્ટિવા પર બે ફેરામાં મીઠી ખાડીમાં લાશના ટુકડાઓ બોરીમાં ભરી નાખી દીધા હતા. બાદમાં આખું ઘર સાફ કરી બીજા દિવસે ખરીદેલો હથોડો અને છરી ફરી એ જ દુકાનમાં ખાતું ચાલુ નહીં કરવાનું કહી અડધી કિંમતે વેચી આવી પુરાવાનો નાશ કરી દીધો હતો.