મારું ગુજરાત

દિવાળીમાં વતન જવા માટે ખાસ વ્યવસ્થા: GSRTC દ્વારા 2600થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે

દિવાળીના તહેવારો નજીક આવતા લોકો પોતાના વતન જવા માટે રવાના થવા લાગ્યા છે, જેના કારણે રાજ્યના રેલવે તથા બસ સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે.

મુસાફરોને અનુકૂળતા મળી રહે અને તેઓ સમયસર પોતાના વતનમાં પહોંચી જાય તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ વિશેષ આયોજન હાથ ધર્યું છે.

1600 જેટલી વધારાની બસોનું આયોજન

નિગમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન 16 થી 19 ઑક્ટોબર 2025 વચ્ચે 2600 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ખાસ કરીને સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ અને પંચમહાલના શ્રમજીવીઓ માટે 1600 જેટલી વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર જવા ઇચ્છુક મુસાફરોને રામચોક અને મોટા વરાછા સ્ટેન્ડ પરથી બસ મળશે, જ્યારે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી સેવા ઉપલબ્ધ રહેશે. દાહોદ અને પંચમહાલ જવા ઇચ્છુકો માટે સુરત શહેરી બસ સ્ટેશન, રામનગર તથા રાંદેર રોડ પરથી બસ ઉપલબ્ધ રહેશે.

મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુક કરી શકશે

આ સિવાય અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા અને પાલનપુર વિભાગોમાં પણ આશરે 1000 વધારાની બસો દોડાવવામાં આવશે, જેથી મુસાફરોને તહેવારો દરમ્યાન મુશ્કેલી ન પડે.

મુસાફરો GSRTCની વેબસાઇટ [www.gsrtc.in](http://www.gsrtc.in) અથવા મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુક કરી શકશે. જેઓ ગ્રુપમાં મુસાફરી કરવા માંગે છે, તેમના માટે “એસ.ટી. આપના દ્વારે” યોજના અંતર્ગત બસ સીધી જણાવેલી જગ્યાથી વતન સુધી પહોંચાડવામાં આવશે. આ પહેલથી લાખો મુસાફરોને સુવિધા મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button