Gujarat : દિવાળી પહેલાં કે પછી? ગુજરાત મત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ; દિલ્હીમાં ટોચના નેતાઓની ગુપ્ત બેઠક

ગાંધીનગરમાં રાજકીય તાપમાન વધ્યું છે, કારણ કે દિલ્હીમાં અચાનક યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ ગુજરાતના મંત્રિમંડળમાં મોટા ફેરફારોની શક્યતાઓ પ્રબળ થઈ છે.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર અને પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. બેઠક છ કલાકથી વધુ સમય સુધી ચાલી, જેના પગલે રાજ્યના રાજકારણમાં હલચલ મચી છે.
- ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છેલ્લા ત્રણ મહિનામાં વડાપ્રધાન સાથે ત્રીજી વખત મળ્યા છે, જેના કારણે અટકળો વધુ વેગ લઈ રહી છે કે આ વખતે મંત્રિમંડળમાં ખરેખર ફેરફાર થઈ શકે છે. ભાજપના સૂત્રો કહે છે કે આ બેઠક ખાસ મહત્વની હતી કારણ કે ગુજરાતના નેતાઓને અચાનક દિલ્હી બોલાવવામાં આવ્યા હતા.
આ ચર્ચાઓમાં બોટાદના હડદડ ગામની ઘટનાનો પણ ઉલ્લેખ થયો હોવાની સંભાવના છે, જ્યાં તાજેતરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. સરકાર આગામી દિવસોમાં નિવારક પગલાં પર વિચાર કરી શકે છે. આ બેઠકની ગુપ્તતા અને ગંભીરતા એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન કે મુખ્યમંત્રીએ આ બેઠકની કોઈ તસવીર કે વિગત સોશિયલ મીડિયા પર જાહેર કરી નથી.
હવે સૌની નજર એ બાબત પર છે કે દિવાળીના પહેલા કે પછી મંત્રિમંડળમાં કયા નવા ચહેરાઓ જોવા મળશે અને કયા મંત્રીઓની વિદાય થશે.