Bank account rule change : 4 નોમિનીનો નવો નિયમ 1 નવેમ્બરથી અમલમાં, ક્લેમ પ્રક્રિયા સરળ બનશે

1 નવેમ્બરથી બેન્કિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ બદલાવ અમલમાં આવશે, જેના અંતર્ગત ખાતાધારકોને તેમના બેન્ક ખાતામાં હવે એકસાથે ચાર નોમિની ઉમેરવાની મંજૂરી મળશે. નાણાં મંત્રાલયે ગુરુવારે આ સુધારાની જાહેરાત કરી હતી. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને વધુ પારદર્શક, સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવાનો છે.
નોમિની વચ્ચે હિસ્સો નક્કી કરી શકશે
આ નવા નિયમ મુજબ ખાતાધારક ચાર નોમિનીને એકસાથે અથવા ક્રમિક રીતે પસંદ કરી શકશે. ક્રમિક નોમિનીનો અર્થ એ થાય છે કે પહેલા નોમિનીના અવસાન બાદ બીજા, ત્રીજા અને ચોથા નોમિનીને ક્લેમ કરવાનો અધિકાર મળશે. ખાતાધારક પોતાના ઈચ્છા મુજબ દરેક નોમિની વચ્ચે હિસ્સો નક્કી કરી શકશે. આ ફેરફાર બેન્કિંગ કાયદા (સંશોધન) અધિનિયમ, 2025 અંતર્ગત કરવામાં આવ્યો છે, જે 15 એપ્રિલ 2025ના રોજ નોટિફાય થયો હતો.
મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા
આ અધિનિયમમાં કુલ 19 સુધારાઓનો સમાવેશ થાય છે, જેમાં RBI અધિનિયમ, 1934 અને બેન્કિંગ વિનિયમન અધિનિયમ, 1949માં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. સુધારાઓ અંતર્ગત લોકર નામાંકન માટે માત્ર ક્રમિક નોમિનેશનની જ મંજૂરી આપવામાં આવશે. ખાતાધારક ચાર નોમિની પસંદ કરી શકશે અને તેમનો કુલ 100 ટકા હિસ્સો નક્કી કરી શકશે. નાણાં મંત્રાલય ટૂંક સમયમાં બેન્કિંગ કંપની (નામાંકન) નિયમ, 2025 જાહેર કરશે.



