કિડની ફેલ્યોરના કારણે ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ એક્ટર સતીશ શાહે 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પોતાની કોમેડી અને યાદગાર પાત્રોથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર પીઢ ગુજરાતી અને હિન્દી ફિલ્મોના અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કિડની સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અને કિડની ફેલ્યોરના લીધે તેમનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે.
- અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે
ફિલ્મમેકર અશોક પંડિતે જણાવ્યું હતું કે સતીશ શાહનું અવસાન આજે શનિવારે બપોરે લગભગ 2:30 વાગ્યે થયું. તબિયત બગડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યે તેઓ બચી શક્યા નહીં. મેનેજરે પણ પુષ્ટિ કરી છે કે તેમનો પાર્થિવદેહ હોસ્પિટલમાં છે અને તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.
- યાદગાર કારકિર્દી અને ‘ઇન્દ્રવદન સારાભાઈ’
ચાર દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં સતીશ શાહે ફિલ્મો અને ટીવી સિરિયલોમાં અસંખ્ય યાદગાર ભૂમિકાઓ ભજવી. તેઓ ખાસ કરીને તેમની કોમિક ટાઇમિંગ માટે જાણીતા હતા. તેમણે 1983માં કુંદન શાહની ‘જાને ભી દો યારોં’માં ‘ડિમેલો’ નામના મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા ભજવી હતી, જે આજે પણ ‘કલ્ટ ક્લાસિક’ ગણાય છે. આ ઉપરાંત તેમણે ‘હમ સાથ સાથ હૈ’, ‘મેં હૂં ના’, ‘બીવી હો તો ઐસી’, ‘ફના’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘હમ આપકે હૈ કૌન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
- ટીવીમાં સફળતા
1984માં ટેલિવિઝન પર પદાર્પણ કરીને, તેઓ ‘યે જો હૈ ઝિંદગી’ જેવી ભારતની પ્રથમ સિટકોમ (સિચ્યુએશનલ કોમેડી) સિરિયલથી ઘરે-ઘરે જાણીતા બન્યા. નવી પેઢી સાથે તેઓ 2004માં ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ સિરિયલમાં ‘ઇન્દ્રવદન સારાભાઈ’ના પાત્રથી ફરી જોડાયા. રત્ના પાઠક શાહ સાથેની તેમની જોડી અને આ પાત્ર આજે પણ ‘કલ્ટ કોમેડી’નું સ્ટેટસ ધરાવે છે, જેના અનેક ‘મીમ’ આજે પણ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.
 
				


