પાકિસ્તાન સરહદે ભારતનું ‘Operation Trishul’: ત્રણેય સેનાનું સૌથી મોટું સંયુક્ત યુદ્ધાભ્યાસ શરૂ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સૈન્યે “ઓપરેશન ત્રિશૂળ” નામે વિશાળ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ 30 ઓક્ટોબરથી શરૂ થઈ 10 નવેમ્બર સુધી ચાલશે.
પશ્ચિમી સરહદે શરૂ થયેલા આ અભ્યાસમાં ભારતીય સૈન્ય, નૌકાદળ અને વાયુસેનાના દળો એકસાથે ભાગ લેશે. ત્રણેય દળોની સંયુક્ત ભાગીદારીને કારણે આ અભ્યાસને “ત્રિશૂળ” નામ આપવામાં આવ્યું છે.
આ અભ્યાસનો મુખ્ય ફોકસ સર ક્રીક, સિંધ અને કરાચી વિસ્તાર રહેશે, અને તેના ભાગરૂપે ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીકની એરસ્પેસને તાત્કાલિક બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
- ભારતીય દળોનું મોટું મોભળું યુદ્ધાભ્યાસ શરૂ
થોડા દિવસ પહેલાં જ રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો સર ક્રીક વિસ્તારમાં તેની કોઈ હરકત જોવા મળશે તો આક્રામક જવાબ અપાશે. આ ચેતવણી પછી જ હવે સરહદ પાસે ભારતીય દળોનું મોટું મોભળું યુદ્ધાભ્યાસ શરૂ થયું છે.
આ માટે નોટિસ ટુ એરમેન (NOTAM) જારી કરીને 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી રાજસ્થાન અને ગુજરાતની એરસ્પેસ ટાળવા સૂચના આપવામાં આવી છે.
- ત્રણેય દળો સંયુક્ત રીતે હુમલાની પરિસ્થિતિમાં
બીજી તરફ પાકિસ્તાને પણ 28થી 29 ઓક્ટોબર સુધી પોતાની મધ્ય અને દક્ષિણ એરસ્પેસ બંધ રાખી છે, જે પરથી અંદાજ લગાવવામાં આવે છે કે ત્યાં પણ સૈન્ય અભ્યાસની તૈયારી ચાલી રહી છે.
ભારતીય યુદ્ધાભ્યાસ દરમિયાન સરહદે ટેંકો, રફાલ અને સુખોઇ વિમાનો, નેવીના શિપ્સ, હથિયારધારી હેલિકોપ્ટર, મિસાઇલ સિસ્ટમ અને હોવિત્ઝર તોપો તૈનાત કરવામાં આવી છે. “ત્રિનેત્ર ડ્રિલ” અંતર્ગત ત્રણેય દળો સંયુક્ત રીતે હુમલાની પરિસ્થિતિમાં તાલીમ લેશે.
આ અભ્યાસ ગુજરાતના સમુદ્ર કિનારા અને રાજસ્થાનના રણ પ્રદેશ સુધી વિસ્તરેલો છે, જે ભારતની રક્ષણાત્મક તૈયારીઓ અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
 
				


