Surendranagar Murder : સાત ફેરાનું વચન તોડ્યું, પતિએ જ પત્નીની બોથડ પદાર્થ મારી હત્યા કરી!

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભેસજાળ ગામે પતીએ પત્નીને બોથડ પ્રદાથ મારી મોતને ઘાટ ઉતાર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક રીતે હેતલબેનનું મોત સ્વાભાવિક જણાતું હતું,
પરંતુ તેના ભાઈએ શરીર પર ઈજાના નિશાન જોતા હત્યાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતાં સ્પષ્ટ થયું કે હેતલબેનની હત્યા બોથડ પ્રદાથ વડે કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે, લીંબડી તાલુકાના ભલગામડા ગામની હેતલબેનનું પાંચ વર્ષ પહેલાં કુડલા ગામના ધીરજ કણોતર સાથે લગ્ન થયા હતા.
લગ્ન બાદથી જ હેતલબેનને સાસરીયાઓ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હતો. અનેક ઝગડાઓ બાદ હેતલ પોતાનાં માતા-પિતા પાસે રહી હતી, પરંતુ પાંચ મહિના પહેલાં સમાજના લોકોના સમજાવવાથી તે ફરી સાસરે પરત ગઈ હતી.
- આવેશમાં આવી બોથડ પદાર્થથી હુમલો કર્યો
પોલીસની પુછપરછમાં આરોપી ધીરજે કબુલાત આપી કે તેણે શંકાના કારણે પત્ની સાથે ઝગડો કર્યો હતો અને આવેશમાં આવી બોથડ પદાર્થથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં પણ પત્નીને સારવાર માટે દવાખાને ન લઈ જતાં હેતલબેનનું મોત થયું હતું.
આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. લોકોમાં ગુસ્સાનો માહોલ છે કે, જે પતિએ સાત ફેરા લઈ જીવનભર સાથ આપવાનો વચન આપ્યો હતો, એણે જ પત્નીની હત્યા કરી. પોલીસે આરોપી ધીરજ કણોતરની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.



