AI traffic signal system Mehsana : AI સેન્સર આધારિત ટ્રાફિક સિગ્નલથી ટ્રાફિક સમસ્યાઓનો કાયમી ઉકેલ

મહેસાણા મહાનગરપાલિકાએ શહેરના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્સર આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં જ આ આધુનિક સિગ્નલ કાર્યરત થશે, જેનાથી હજારો વાહનચાલકોને રોજિંદા ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે.
- ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે?
રાધનપુર ચોકડી શહેરના સૌથી વ્યસ્ત ટ્રાફિક પોઇન્ટ્સમાંની એક ગણાય છે. દરરોજ અહીંથી 7000થી વધુ વાહનો પસાર થાય છે.
ખાસ કરીને સવારે ઓફિસના કલાકો અને સાંજના પીક અવર્સ દરમિયાન લાંબી ટ્રાફિક લાઈનો થતી હોવાથી લોકોનો સમય અને ઈંધણ બંને બગડતા હતા. પરંતુ હવે મહાનગરપાલિકાના આ નવીન પગલાંથી આ સમસ્યાનો કાયમી ઉકેલ મળશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.
- AI સેન્સર ટ્રાફિક સિગ્નલ કેવી રીતે કામ કરશે?
આ નવી ટ્રાફિક સિસ્ટમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે AI સેન્સર આધારિત છે. રસ્તા પર લગાવવામાં આવેલા સેન્સર સતત વાહનવ્યવહારનું વિશ્લેષણ કરશે. જેમ કે કયા માર્ગ પર કેટલા વાહનો છે, લાઈનની લંબાઈ કેટલી છે અને વાહનોની ગતિ શું છે.
જો કોઈ દિશામાં ટ્રાફિક વધુ હશે, તો તે દિશાનું સિગ્નલ વધુ સમય માટે ગ્રીન લાઈટ રાખશે અને જો કોઈ માર્ગ પર વાહન ન હોય, તો માત્ર 10 સેકન્ડમાં સિગ્નલ ઓટોમેટિક રીતે બદલાઈ જશે, જેથી રાહ જોતા વાહનચાલકોને અનાવશ્યક વિલંબ ન થાય.
- ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ
આ ટેકનોલોજીથી ટ્રાફિક જામમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સાથે ઈંધણ તથા સમયની બચત પણ થશે. મહાનગરપાલિકા દ્વારા જૂના સિગ્નલ માળખામાં સુધારાઓ કરી નવા સેન્સર અને લાઈનો સ્થાપિત કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. અધિકારીઓનું માનવું છે કે આ પ્રોજેક્ટ મહેસાણાના પરિવહન માળખાને સ્માર્ટ અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે.
- સ્માર્ટ સિટી તરફ એક નવું પગલું
આ પહેલ સાથે મહેસાણા ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ તો મેળવશે, પરંતુ સ્માર્ટ સિટી બનવાની દિશામાં આગળ વધતું શહેર તરીકે પણ ઓળખ મળશે. જ્યાં ટેક્નોલોજી નાગરિકોના સમય, સુરક્ષા અને સુવિધાનું યોગ્ય સંચાલન કરશે.
 
				


