Gujarat Weather : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ‘ભારે વરસાદ’ની આગાહી, ખેડૂતોને વ્યાપક નુકસાન!

ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવાર પછી પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત રહ્યું છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. આ વર્ષનો ઓક્ટોબર મહિનો છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ સરેરાશ વરસાદ સાથે ખેડૂતો માટે આકરો સાબિત થયો છે.
- IMDની આગાહી: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ‘યલો એલર્ટ’
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ એટલે કે 3 નવેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે..
- માછીમારો માટે ચેતવણી
આગામી દિવસોમાં દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
- છેલ્લા 6 દિવસમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ: ખેતીને વ્યાપક નુકસાન
રાજ્યમાં છેલ્લા છથી સાત દિવસથી ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે. આ વર્ષે ઓક્ટોબર મહિનામાં છેલ્લા દસ વર્ષમાં સૌથી વધુ સરેરાશ સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. ડાંગર, મગફળી, કપાસ સહિતના તૈયાર પાકમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને તેઓ હવે સરકાર દ્વારા યોગ્ય સહાય અને તાત્કાલિક વળતર મળે તેની મીટ માંડીને બેઠા છે.
 
				


