સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળાએ રાસડા લેતાં ફફડાટ, થાનમાં 12વર્ષના બાળકનું શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાની વિદાય અને શિયાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી તરફ બપોરના સમયે આકરો તાપ પડે છે. ત્યારે જિલ્લામાં ડબલ ઋતુનું વાતાવરણ અનુભવાય છે.
ત્યારે હાલના સમયે જિલ્લામાં વાયરલ ફલુએ ઉપાડો લીધો છે. સામાન્ય રીતે દરેક ઘરમાં તાવ, શરદી, કફના દર્દીઓ એક-બે જોવા મળે જ છે. જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીનો આંકડો દરરોજ બે હજાર જેટલો પહોંચી જાય છે. જયારે થાનમાં 12 વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત નિપજ્યાનું સામે આવ્યુ છે. પરંતુ આરોગ્ય વિભાગ હજુ રીપોર્ટની રાહ જોઈ રહ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે. ઝાલાવાડમાં ચોમાસુ ભરપુર વરસાદ વરસાવીને જાણે વિદાય લઈ રહ્યુ હોય અને શિયાળાની ઘડીઓ ગણાઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે. તો બપોરના સમયે સુર્યનારાયણ આકરો તાપ વરસાવી રહ્યા છે. આવા ડબલ ઋતુ ભર્યા વાતાવરણથી રોગચાળો ઝાલાવાડમાં વકર્યો છે. વાયર ફલુના લીધે દરેક ઘરમાં એક-બે વ્યક્તિ બીમાર હોય તેવુ સામાન્ય બની ગયુ છે. જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ તપાસ કરાવવા આવે છે. શહેરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ, સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સી.જે. હોસ્પિટલ, વઢવાણ સીએચસી સહીત જિલ્લાના તમામ PHC અને CHC સહિતની ખાનગી હોસ્પિટલોમાં દરરોજ ર હજારથી વધુ ઓપીડી નોંધાતી હોવાનો અંદાજ છે. હાલમાં જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથુ ઉંચકયુ છે. લોકો વાયરલ ફલુ, ઝાડા-ઉલ્ટી, તાવ, શરદી-ઉધરસ જેવા રોગોના શિકાર બની રહ્યા છે. ત્યારે ડોકટરો વાસી અને બહારનો ખોરાક ન લેવા, મચ્છરોથી બચવા પુરતા કપડા પહેરવા સલાહ આપી રહ્યા છે. ત્યારે થાનમા 12 વર્ષીય બાળકનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયાનું સામે આવી રહ્યુ છે. મળતી માહિતી મુજબ થાનની સર્વોદય સોસાયટીમાં રહેતા 12 વર્ષીય મીત વિજયને પાંચેક દિવસ પહેલાં તાવ આવતા થાન પ્રાથમિક સારવાર લઈને રાજકોટ એડમીટ કરાયો હતો. જેમાં સારવાર દરમિયાન તેનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયુ છે. આ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા પાસે છેલ્લા કેટલાક સમયથી ગંદકીના ગંજ ખડકાયા છે. એથી મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો વકર્યો છે અને તેનો ભોગ માસુમ બાળક બન્યો છે. જોકે, હાલ થાન આરોગ્ય વિભાગ બાળકનું મોત ડેન્ગ્યુથી થયુ હોવાનું કન્ફર્મ જણાવતુ નથી.
સર્વોદય સોસાયટી વિસ્તારમાં ગંદકીની સમસ્યા
થાનની સર્વોદય સોસાયટીમાં આવેલ શાળા પાસે છેલ્લા ઘણા સમયથી ગંદકી છે. ત્યારે આ વિસ્તારમાં હાલ ઘરે ઘરે માંદગીના ખાટલા છે. આ વિસ્તારના રહીશો પાલીકા પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે. અને ગંદકીની સફાઈ ન થતી હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે હાલ આ વિસ્તારમાં 8થી 10 શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો હોવાનું પણ રહીશો જણાવી રહ્યા છે.
રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવે : THO । થાનમાં 12 વર્ષના બાળકના મોતના સમાચાર મળ્યા છે. આ બાળકે રાજકોટ સારવાર લીધી તેના રીપોર્ટ અમોએ મંગાવ્યા છે. જે મળ્યા બાદ જ તેનું મોત ડેન્ગ્યુથી થયુ છે કે કેમ તે જણાવી શકાય. જોકે, બાળકનું મોત થતા જ આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે.
Source link