સિવિલ હોસ્પિટલમાંથી વાયરલ થયેલ ભુવાજીના વીડિયો મુદ્દે સિવિલ હોસ્પિટલના સત્તાધીશ જવાબદાર સિક્યુરિટી, ICU વોર્ડના અધિકારી સામે પગલા લેવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં 38 વર્ષીય દર્દી કિડની અને લીવરની સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
ગત 4 નવેમ્બરે ICUમાં દાખલ દર્દીની સારવાર ચાલી રહી હતી. 14 નવેમ્બરે દર્દીને હોસ્પિટલમાંથી સારવાર બાદ સાજો થયા બાદ ડિસ્ચાર્જ કરાયો હતો. રાત્રે દોઢ વાગે મુકેશ ભુવાજીએ વિધિ કરી હતી. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી. હોસ્પિટલની છબી ખરડાઈ હોવાથી ભુવાજી સામે પગલાં લેવા અરજીમાં ઉલ્લેખ કરાયો. સિવિલ હોસ્પિટલ દ્વારા શાહીબાગ પોલીસને અરજી કરવામાં આવી. કોઈ આધાર પુરાવા વગર સિવિલ સ્ટાફ દ્વારા ફક્ત અરજી આપવામાં આવી. સિવિલ હોસ્પિટલ દ્વારા વીડિયો અંગે ફરિયાદ નોંધાવી.
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી એક ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યોરિટી પાછળ વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં ભૂવો બિન્દાસ્ત ICU સુધી પહોંચી જતાં સવાલો ઊઠ્યા છે.
સિવિલ સુપરિટેન્ડેન્ટ ભૂવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાના વાયરલ વીડિયો મામલે આરોગ્ય વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા બાદ સિવિલ સુપરિટેન્ડેન્ટ ભૂવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અંધશ્રદ્ધાના કાયદા અનુસાર ફરિયાદ નોંધવામાં આવશે.
ICUમાં ભૂવાની વિધિનો વીડિયો વાયરલ થયો
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભૂવો અમદાવાદ સિવિલના ICUમાં પહોંચી સારવાર લઈ રહેલા એક દર્દીની વિધિ કરતો જોવા મળ્યો હતો.
સિવિલ સિક્યોરિટીના ધજાગરા ઊડ્યા
સિવિલ હોસ્પિટલના વાયરલ વીડિયોને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે એશિયાની સૌથી મોટી અને સુરક્ષિત હોસ્પિટલનો દાવો કરતી સિવિલ હોસ્પિટલમાં કડક સુરક્ષા વચ્ચે જ્યાં નાગરિકોને પ્રવેશ આપવામાં આવતો નથી ત્યાં ભૂવાને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની અંદર ફોટો વીડિયો લેવા પર મનાઈ કરવામાં આવે છે. ત્યાં આ ભૂવાએ ગેટથી લઈને આઇસીયુ તરફ જતા રસ્તા પર વીડિયો ઉતારીને રીલ બનાવી છે. એટલું જ નહીં, આઇસીયુમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીની બાજુમાં ઊભા રહીને પણ ભૂવાએ રીલ બનાવી છે, જેથી સિવિલ હોસ્પિટલની સિક્યોરિટી સામે પણ સવાલ થઈ રહ્યા છે.
દર્દીનો સગો બનીને ભૂવો ICUમાં પહોંચ્યો
અમદાવાદ સિવિલ હોસ્પિટલના વાયરલ વીડિયો અંગે સુપ્રિટેન્ડેટે કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ તપાસ કરતાં આ વ્યક્તિ દર્દીનો સગો બનીને હોસ્પિટલમાં ગયો હોવાનું માલૂમ પડ્યું છે. દર્દીના સગાને જવા માટે હોસ્પિટલમાંથી પાસ આપવામાં આવે છે, એનો ઉપયોગ કરીને આ વ્યક્તિ દર્દી સુધી પહોંચી હોવાનું પ્રાથમિક તારણ છે. આઇસીયુમાં દાખલ દર્દીની સંપૂર્ણપણે સિક્યોરિટી અને ઇન્ફેક્શન ન લાગે એ પ્રમાણે કર્ટેન્સ સાથે ગોપનીયતા રાખવામાં આવે છે. તેએ દુરુપયોગ કરીને આ વ્યક્તિએ વીડિયો બનાવ્યો હોવાનું માનવું છે. વધુમાં આ વીડિયોમાં જે દર્દી બતાવવામાં આવ્યો છે તે ઓલરેડી વેન્ટિલેટર પર છે, પરંતુ તે વેન્ટિલેટરની ટ્રીટમેન્ટમાં સ્ટેપડાઉન થઈ રહ્યો છે એટલે કે સાજો થઇ રહ્યો છે, એટલે ભૂવા કે અન્ય કોઇ વિધિ, માન્યતા દ્વારા આ દર્દી સંપૂર્ણપણે સાજો થયો છે એ કહેવું અંધશ્રદ્ધાથી ભરેલું છે. દર્દીઓની સારવાર, સુરક્ષા તેમની જિંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે અને એનું સંપૂર્ણપણે સિક્યોરિટી દ્વારા ધ્યાન પણ રાખવામાં આવે છે, પરંતુ હવે દર્દીના સગા બનીને એ કોટ (ખાટલા) સુધી આ વ્યક્તિ પહોંચી છે તો તેવા કિસ્સામાં પણ હવે આગામી સમયમાં વધુ ધ્યાન રાખીને આ પ્રકારની ઘટના કોઇપણ હોસ્પિટલમાં ન બને એનું ધ્યાન રાખવામાં આવશે. આ ઘટનાની પણ ગંભીરતાથી નોંધ લઈ તપાસ કરવામાં આવશે.
હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટને ફરિયાદ કરવા સૂચના આપી છે- આરોગ્યમંત્રી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં તાંત્રિક વિધિનો વીડિયો વાયરલ થવા સંદર્ભે પટેલે કહ્યું કે, કોઈપણ દર્દીના સગાને દાખલ કર્યા હોય તો તેને મળવાની છુટ હોય જ છે. મેં પણ વીડિયો જોયો છે કે રાત્રે જઈ અને વિધિ કરતા હોય એમ ખ્યાલ આવ્યો છે એટલે સુપ્રિટેન્ડેન્ટને ફરિયાદ આપવાની સૂચના આપી છે.
તમામ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે- વિજ્ઞાન જાથા
અમદાવાદ અસારવા સિવિલમાં ભૂવાએ આવેલી દર્દીની વિધિ કરી હોવાના બનાવની વિજ્ઞાન જાથા દ્વારા નિંદા કરવામાં આવી છે. વિજ્ઞાન જાથાના જંયત પંડ્યા દ્વારા ભૂવા સહિત જવાબદાર તમામ લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. પંડ્યાએ કહ્યું હતું કે, હોસ્પિટલની સારવારથી દર્દીને સારુ થયું છે. ભૂવાએ કરેલી વિધિના કારણે લોકોમાં અંધશ્રધ્ધા ફેલાશે. માનવ જીવન સાથે ખિલવાડ કરનાર માફ કરવા યોગ્ય નથી. 21મી સદીમાં ભૂવો વેન્ટિલેટર સુધી પહોંચે તે શરમજનક છે.
Source link