પોરબંદર ચેમ્બર્સ ઓફ કોમર્સની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં બે વેપારી ગ્રુપ વચ્ચે વિવાદ સર્જાતા મામલો ગરમાયો હતો, જેમાં પોલીસને બોલાવવાની પણ ફરજ પડી હતી અને ત્યારબાદ બંને વેપારી ગ્રુપે સામ સામા આક્ષેપો કર્યા હતા.
બે વેપારી ગ્રુપ વચ્ચે વિવાદ સર્જાતા મામલો ગરમાયો
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની સામાન્ય સભા અને નૂતન વર્ષના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે સ્નેહમિલન યોજાય તે પૂર્વે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતા તેમાં વેપારીઓના બે ગ્રૂપ વચ્ચે વિવાદ સર્જાયો હતો. બેઠકમાં ગત ચૂંટણીમાં કારોબારી સભ્યો તરીકે ફોર્મ ભરનારા અને જેમના ફોર્મ રદ થયા હતા તેવા અનેક વેપારીઓ કે જેમાં ચેમ્બરના સ્થાપક પ્રમુખ નલીનભાઈ કાનાણી વગેરેએ આ બેઠકમાં બોલાચાલી કરી અને ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થામાં પ્રમુખની મનમાનીથી સંસ્થાને નુકસાન થઈ રહ્યાનો આક્ષેપ કર્યો હતો.
કેટલાક સભ્યો જ વિરોધ કરી રહ્યા છે: ચેમ્બર પ્રમુખ જીગ્નેશ કારિયા
હાલના ચેમ્બર પ્રમુખ જીગ્નેશ કારિયાએ પણ આ મામલે વળતો જવાબ આપતા એવું જણાવ્યું હતું કે અન્ય કોઈ સભ્યોને વિરોધ નથી, પરંતુ અગાઉ જેના ફોર્મ રદ થયા હતા તેવા કેટલાક સભ્યો જ વિરોધ કરી રહ્યા છે. ચેમ્બરનું વ્યવસ્થિત સંચાલન ચાલતું હોવાનું જણાવ્યું હતું, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે વેપારીઓને તેમના ઉપર વિશ્વાસ છે અને તેથી જ તેમને ચૂંટી કાઢવામાં આવ્યા છે.
ચેમ્બર ઓફ કોમર્સની સામાન્ય સભાની શહેરભરમાં ચર્ચાઓ
ચેમ્બર્સ ઓફ કોર્મસ પોરબંદર સંસ્થા વેપારીઓના હિત માટે અને ઉદ્યોગ ધંધા ક્ષેત્રે વિકાસ માટે કામ કરતી સંસ્થા છે, જેમાં સામાન્ય સભામાં આ પ્રકારના વિવાદ સર્જાતા અનેક ચર્ચાઓ જાગી છે. ખાસ કરીને આવી સંસ્થાના કાર્યમાં પોલીસ બોલાવવી પડે અને સભામાં બોલાચાલી થાય તે ખુબ શરમજનક બાબત ગણાય તેવું જણાવી કેટલાક વેપારીઓ આ ખુરશી માટે શરમ જનક ગણાય છે કે બીજું કોઈ તેવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે. જો કે આજની ચેમ્બર ઓફ કોમર્સની સામાન્ય સભા શહેરભરમાં ચર્ચા થઈ રહી છે, હાલ તો પોરબંદર શહેરની અગ્રીમ વેપારી સંસ્થામાં વિવાદ સર્જાતા શહેરભરમાં અનેક ચર્ચાઓ જાગી છે.
Source link