GUJARAT

Gondal State અંગેના વિવાદનો સુખદ અંત, ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન

ગોંડલ સ્ટેટ અંગેના વિવાદનો સુખદ અંત આવ્યો છે. ગોંડલ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં સમાધાન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગોંડલ સ્ટેટના ભાયાતો હાજર રહ્યા હતા. યદુવેન્દ્રસિંહ અને ગોંડલ મહારાજા સાહેબ હિમાંશુસિંહજી એક મંચ પર બેઠા હતા. ગોંડલ પેલેસ ખાતે સમાધાન થતા વિવાદનો અંત આવ્યો છે. સમાધાનમાં રાજેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા તેમજ અર્જુનસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

ગોંડલ સ્ટેટનો શું હતો વિવાદ?

ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરાતા ખળભળાટ મચી ગયો હતો. આ દાવો હિમાંશુસિંહ જાડેજાએ કર્યો હતો, જેઓ ગોંડલ સ્ટેટના મહારાજ છે. યદુવેન્દ્રસિંહ જાડેજા નકલી મહારાજ હોવાનો હિમાંશુસિંહ જાડેજાએ દાવો કર્યો હતો. અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલન યદુવેન્દ્રસિંહ રાજા ન હોવા છતા હાજર રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. નવ પેઢીથી છુટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને ગોંડલના મહારાજ ગણાવતા હોવાનો હિમાંશુસિંહ આરોપ લગાવ્યો છે. ત્યારે જાણો શું હતો સમગ્ર મામલો…

યદુવેન્દ્રસિંહ નામના વ્યક્તિ પોતે ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે ઓળખ આપી કાર્યક્રમોમાં હાજરી આપતા જોવા મળ્યા હતા. મહેસાણા અને અમદાવાદના ગોતા સહિતનાં કાર્યક્રમોમાં યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિ ગોંડલ ‘યુવરાજ’ તરીકે માભો જમાવતા હોવાની વિગતો સોશિયલ મીડિયામાં વાયુવેગે ફરતી થઈ હતી. જે અંગેની માહિતી ગોંડલના કેટલાક લોકોએ રાજવી પરિવારને આ અંગે માહિતી આપી હતી. આ વાત જાણીને રાજવી પરીવાર પણ ચોંકી ગયો હતો. ત્યારે હવે રાજવી પરીવાર દ્વારા યદુવેન્દ્રસિંહ નામના વ્યક્તિને નકલી ગણાવીને તેની સાથે કોઈપણ જાતના સંબંધ ન હોવાની વાત કરાઈ રહી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, રાજવી પરીવાર યદુવેન્દ્રસિંહ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો હતો.

ગોંડલના રાજવી પરિવારના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, ‘યદુવેન્દ્રસિંહના પરદાદાએ ગોંડલ રાજ્યની નવ પેઢી પહેલા મતલબ કે ભગવતસિંહજીથી પણ પહેલા વેજાગામ અને દાળીયા ગામના બે ગરાસ અપાયા હતા. એ વર્ષો પહેલાની વાત છે. બાદમાં અને હાલમાં યદુવેન્દ્રસિંહને ગોંડલ રાજવી પરીવાર સાથે કોઈ સંબંધ નથી.’ આ સાથે ચેતવણી આપતા રાજવી પરીવારે કહ્યું હતું કે, ‘કોઈ પણ સંસ્થા કે સમાજે ગોંડલના રાજવી પરિવાર અંગે કોઈ સ્ટેટમેન્ટ આપતા પહેલા અગાઉથી ગોંડલ સ્ટેટની મંજુરી લેવી ફરજિયાત છે.’

ગોંડલ સ્ટેટના 17મા મહારાજા હિમાંશુસિંહજી

મહારાજા ભગવતસિંહજીના પાંચમા વંશજ અને ગોંડલ સ્ટેટના 17મા મહારાજા હિમાંશુસિંહજી જ્યોતિન્દ્રસિંહજી જાડેજા છે. રાજ્યના એક માત્ર યુવરાજ હિમાંશુસિંહજી હતા. જેમનું રાજતિલક આઠ મહિના અગાઉ જ થતા તેઓ ગોંડલના રાજવી બન્યા છે. મહારાજા ભગવતસિંહજી ગુજરાતી ભાષાના સૌપ્રથમ એન્સાઇક્લોપીડિયા ‘ભગવતગોમંડળ’ના રચયિતા અને આજથી 100 વર્ષ પહેલાં સ્ત્રી કેળવણી અને ફરજિયાત એજ્યુકેશનની શરૂઆત કરનાર મહાન વિભૂતિ હતા. ભગવતસિંહજીના કારણે તો ગોંડલ અને રાજવી પરીવારને આજે આખી દુનિયા યાદ કરે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button