ખેડામાં ડ્રગ્સની હેરાફેરી થતી ઝડપાઈ છે. સેવાલિયા ચેકપોસ્ટ પર અત્યાર સુધી હથિયારો પકડાતા હતા, પરંતુ હવે ડ્રગ્સની પણ હેરાફેરી ઝડપાઈ છે. MD ડ્રગ્સ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.
પરપ્રાંતિય યુવક પાસેથી 65.500 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ
સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પર મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક પરપ્રાંતિય ઈસમ ઝડપાયો છે. વાહન ચેકિંગ દરમિયાન ભોપાલથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરી રહેલા ઈસમ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ છે. આ વ્યક્તિ કેરળનો રહેવાસી છે. કેરળના મુહમ્મદ મુબીર સુલેમાન પાસેથી રૂપિયા 6,55,000ની કિંમતનું 65.500 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ છે. હાલમાં સેવાલીયા પોલીસે ડ્રગ્સ, રોકડ,મોબાઈલ સહિત રૂપિયા 6,65,900નો મુદ્દામાલ ઝડપીને આ ઈસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે દિવસ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું હતું
અમદાવાદમાં સતત ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે અને આ જ કારણથી અમદાવાદ શહેરમાં સતત ડ્રગ્સની આયાત કરવામાં આવી રહી છે, અમદાવાદ એરપોર્ટ પોલીસે આવું જ એક રેકેટ ઝડપ્યું છે, જેમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓ વિયેતનામથી અમદાવાદ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ઝોન 4 DCPને આ કેસની માહિતી મળતા એરપોર્ટ પોલીસને વોચમાં રાખી હતી. આ દરમ્યાન આરોપીઓ જેવા અમદાવાદ એરપોર્ટથી બહાર નીકળ્યા તરત જ એરપોર્ટ પોલીસે તેમની ધરપકડ કરી તપાસ કરતા 4 આરોપીઓની બેગમાંથી 2.10 કરોડનો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.
આરોપીઓને ગાંજો લાવવા માટે પ્રતિ ટ્રીપ 10 હજાર ચૂકવાતા
વધુમાં તેમની પૂછપરછ હાથ ધરતા ખુલાસો થયો કે આરોપીઓને વિયેતનામથી હાઈબ્રિડ ગાંજો લાવવા માટે પ્રતિ ટ્રીપ 10 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ સિવાય તેમને વિયેતનામનું 4 દિવસનું સ્પેશિયલ ટુર પેકેજ આપવામાં આવતું હતું. ઝડપાયેલા આરોપીઓ 4 આરોપીઓ જૂનાગઢના છે, જે હાઈબ્રિડ ગાંજો લેવા માટે વિયેતનામ જતા હતા. આ સાથે મોહમ્મદ ફરહાન નામનો આરોપી જે અમદાવાદના સરખેજ વિસ્તારનો રહેવાસી છે, તેણે જૂનાગઢના ચારેય આરોપીઓને વિયેતનામ જવા માટે તૈયાર કર્યા હતા.
Source link