સ્વસ્થ જીવનશૈલીના અભિન્ન અંગ તરીકે ધ્યાન અને યોગાભ્યાસને સ્થાન આપવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે.
સામૂહિક ધ્યાન શિબિર
યુનાઇટેડ નેશન્સ (UNO) દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઘોષિત કરવું ભારત માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. વિશ્વ ધ્યાન દિવસ-૨૦૨૪ની ઉજવણી સૌપ્રથમ વાર સમગ્ર વિશ્વમાં કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સામૂહિક ધ્યાન શિબિર યોજાઈ હતી.
યોગસાધકો રહ્યાં હાજર
અમરાઈવાડીના ધારાસભ્ય ડૉ. હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નાગરિકો ધ્યાન અને યોગાભ્યાસમાં જોડાયા હતા. વસ્ત્રાલ સાઉથ ઝોનના રહીશોએ ગુજરાત યોગ બોર્ડના યોગસાધકો પાસેથી વિવિધ યોગાસનો તથા ધ્યાન પદ્ધતિનું માર્ગદર્શન મેળવી ધ્યાન અને યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા સંકલ્પ કર્યો હતો.
વિશ્વ ધ્યાન દિવસ’ જાહેર કરવામાં આવ્યો
આ ઉપક્રમના ભાગરુપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્થાનિક યોગ સહિતની વિવિધ સંસ્થાઓના સહયોગથી સમગ્ર રાજ્યમાં 40 સ્થળોએ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.અમરેલી શહેરમા ગાંધીબાગમા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આર્ટ ઓફ લિવિંગ અને સમર્પણ ધ્યાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ધ્યાન શિબિરમાં નગરના ધ્યાન સાધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Source link