સાયલા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને સવારના સમયે પોતાને ઘેર ગળેફંસો ખાઇ લીધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા સાથે ચકચાર મચી જવા પામી હતી.
ગામના બહાર પરા વિસ્તારમાં રહેતા પંચાયતના સદસ્યે રવિવારે સવારે સાડા દસેક વાગ્યાના સમયે અગમ્ય કારણોસર પોતાને ઘેર ગળેફંસો ખાધાની જાણ થતા તેમને તુરંત 108 એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
પંચાયતમાં સદસ્ય તરીકે કાર્યરત અને કન્સ્ટ્રક્શન નું કામ કરતા અરવીંદભાઇ ખોડાભાઇ મોરી, ઉ.વ 34 વાળાએ ગળેફંસો ખાઇ આપઘાત કર્યાનીજાણ થતા પંચાયતના સદસ્યો, મિત્રો, પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. મૃતક અરવીંદભાઇએ વ્યાજખોરોના ત્રાસથી આવું પગલું ભર્યું છે કે આર્થીક સંકડામણથી કે પછી પારીવારીક પ્રશ્નોને લઇ આવું પગલું ભર્યું હશે? તેવી તરેહ તરેહની ચર્ચાઓ પણ હોસ્પિટલ ખાતે હાજર લોકોમાં ચર્ચાઇ રહી હતી. યુવાને અચાનક આવું અવિચારી પગલું કેમ ભર્યું? તે બાબતે કોઇ સાચું કારણ બહાર આવવા પામ્યું નથી. ત્યારે પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Source link