પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના મહિલા T20 વર્લ્ડકપ 2024 છોડીને વતન પરત ફરી છે. ફાતિમાના પિતાનું અવસાન થયું છે. સમાચાર મળતાની સાથે જ તે કરાચી જવા માટે UAE રવાના થઈ ગઈ. તાજેતરમાં જ પાકિસ્તાનને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. ફાતિમાની ગેરહાજરીમાં મુનીબા અલીને ટીમની કમાન સોંપવામાં આવશે. તે ટીમની વાઈસ કેપ્ટન છે.
ફાતિમાના પિતાનું નિધન થયું
સમાચાર મુજબ ફાતિમાના પિતાનું મૃત્યુ સ્ટ્રોકના કારણે થયું હતું. આ કારણોસર તે UAEથી કરાચી પરત ફરી છે. ફાતિમાના પિતાના નિધન બાદ ટીમના ખેલાડીઓ પણ દુઃખી છે. પાકિસ્તાની ખેલાડી નિદા ડારે સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે. તેની સાથે અન્ય ખેલાડીઓએ પણ આ પોસ્ટ શેર કરી છે.
પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે પાકિસ્તાન
મહિલા T20 વર્લ્ડ કપમાં ગ્રુપ A ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો પાકિસ્તાન હાલમાં ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને એકમાં જીત મેળવી છે. તેને એક મેચમાં ભારતે પરાજય આપ્યો હતો. પાકિસ્તાનના 2 પોઈન્ટ છે. ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે અને ભારત બીજા સ્થાને છે. ભારતે 3માંથી 2 મેચ જીતી છે. એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાનો પણ આ જ આંકડો છે.
મુનીબા પાકિસ્તાનની આગેવાની કરશે
ફાતિમા સનાની ગેરહાજરીમાં મુનીબા અલી ટીમની કમાન સંભાળશે. તે પાકિસ્તાનની વાઈસ કેપ્ટન છે. પાકિસ્તાનની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ શુક્રવારે દુબઈમાં રમાશે.