મુળી તાલુકાના લીયા ગામની સીમમાં આવેલ નદી પાસે રવિવારે રાતના સમયે કોઈ અજાણ્યો શખ્સ નવજાત બાળકીને મુકી ગયો હતો. બનાવની જાણ થતા ગામના સરપંચ સહિતનાઓ દોડી ગયા હતા. અને બાળકીને ગામના કલીનીકમાં સારવાર આપી 108 દ્વારા મુળી અને ત્યાંથી સુરેન્દ્રનગર રીફર કરાઈ છે.
નીષ્ઠુર વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ મુળી પોલીસે હાથ ધરી છે. સમાજમાં સંતાન વીહોણા પરીવારો પથ્થર એટલા દેવ પુજે છે. મુશ્કેલ બાધાઓ રાખી છે. ત્યારે ખોળાનો ખુંદનાર મળે છે. ત્યારે મુળી તાલુકાના લીયા ગામની નદી પાસે કોઈએ તાજી જન્મેલી બાળકીને ત્યજી દેતા કુમાતા બનેલી માતા સામે લોકો ફીટકાર વરસાવી રહ્યા હતા. મળતી માહિતી મુજબ મુળી તાલુકાના લીયા ગામની સીમમાંથી નદી પસાર થાય છે. આ નદી પાસે ઉગી નીકળેલા બાવળીયામાં રવીવારે રાતના સમયે કોઈ પ્લાસ્ટીકની ડોલમાં લઈ આવી તાજી જન્મેલી બાળકીને ત્યજીને ચાલ્યુ ગયુ હતુ. બનાવની જાણ થતા બાળકીને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવાઈ હતી. જયાં બાળકીનું વજન કરાતા 1 કિલો અને 640 ગ્રામ ધ્યાને આવ્યુ હતુ. જયારે બાળકીને શરીરે કાંટા વાગ્યા હોય તેની પ્રાથમીક સારવાર કરી તેને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ રીફર કરાયુ હતુ. બનાવની જાણ થતા પોલીસ, બાળ સુરક્ષા અધિકારીની ટીમ દવાખાને દોડી ગઈ હતી. અને મુળી પોલીસ મથકે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
કચરો વીણવાવાળી વ્યક્તિએ સૌ પ્રથમ બાળકીને જોઈ
આ અંગે લીયા સરપંચ ચંદુભાઈ મકવાણાએ જણાવ્યુ કે, રવિવારે રાતના સમયે ગામની સીમમાં આવેલ નદી પાસે કચરો વીણતા વ્યકતીએ સૌ પ્રથમ બાળકીનો રડવાનો અવાજ સંભળાતા જોઈ હતી. નવજાત શીશુ હોઈ કોઈ તેને હાથ પણ લગાડતુ ન હતુ. આ અંગે અમોને જાણ થતા તુરંત દોડી ગયા હતા. અને તેને ગામના કલીનીકમાં પ્રાથમીક સારવાર આપી મુળી સરકારી દવાખાને લઈ જવાઈ હતી.
બાળકીને 3-4 કાંટા વાગ્યા, મકોડા શરીર ઉપર ફરતા હતા
રવીવારે રાતના અંધારામાં કોઈ નવજાત બાળકીને મુકી ગયાની જાણ થતા ગ્રામજનોએ જઈને જોયુ તો બાળકીનો જન્મ માત્ર અઢીથી ત્રણ કલાક પહેલા જ થયો હોવાનું લાગતુ હતુ. અને પોતાના પાપને છુપાવવા કોઈ મુકી ગયુ હોય તેમ લાગતુ હતુ. બાળકીને શરીરે 3-4 કાંટા વાગ્યા હતા. અને તેની ઉપર મકોડા પણ ફરતા હતા. જો વધુ સમય બાળકી ત્યાં જ પડી રહી હોત તો કોઈ જાનવરે તેને ફાડી ખાધી પણ હોત.
આરોગ્ય વિભાગ એકશનમાં : આશા વર્કરોએ ગામમાં સર્વે શરૂ કર્યો
બનાવની જાણ થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયુ હતુ. અને તાલુકા હેલ્થ ઓફીસરના આદેશથી તુરંત લીયા ગામમાં સર્વે કરાયો છે. જેમાં આશા વર્કરોની ટીમ કામે લાગી છે. ગામમાં જે જે સગર્ભાઓની નોંધણી થઈ હોય અને તેઓને 9 માસ પુરા થવાની તૈયારી હોય તેવી સગર્ભાઓની ખાસ તપાસ કરવા આદેશ થયા છે. આ ઉપરાંત લીયાની આસપાસના ગામોમાં પણ આવી જ રીતે તપાસ કરવામાં આવશે.
બાળકીની સારવાર પૂર્ણ થાય પછી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરાશે
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકાએ જણાવ્યુ કે, બનાવની જાણ થતા અમારી પણ દવાખાને દોડી ગઈ હતી. અને બાળકીની સારવાર માટે અંગેની ગાંધી હોસ્પીટલના ડોકટર પાસેથી માહિતી મેળવી હતી. જેમાં સારવાર પુરી થયેલ ચીલ્ડ્રન વેલ્ફેર કમીટી સમક્ષ બાળકીને રજુ કરવામાં આવશે. અને જો ત્યાં સુધી વાલી ન મળે તો તેને સરકારી શીશુગૃહમાં રાખવામાં આવશે.
Source link