GUJARAT

Ahmedabad: ભારે વરસાદમાં પાક નુકસાની બદલ એક હજાર કરોડનું પેકેજ જાહેર કરાશે

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક ઉપરાંત જમીન ધોવાણ થયું હતું. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારે વરસાદથી નુકસાનીના કિસ્સામાં રાજ્ય સરકાર ટૂંક સમયમાં અંદાજિત એક હજાર કરોડથી વધુનું સહાય પેકેજ જાહેર કરશે, જેમાં 4 લાખ જેટલા ખેડૂતોને આવરી લેવામાં આવશે.

ખેડૂતો માટેની આ સહાયની ફાઈલ અત્યારે મંજૂરી માટે અટવાઈ છે. આમ આગામી દિવસોમાં રાજ્ય સરકાર આ સંદર્ભે વિધિવત્ જાહેરાત કરશે. કૃષિ વિભાગના સૂત્રો કહે છે કે, ગુજરાતમાં પાક નુકસાનીનો સર્વે થઈ ચૂક્યો છે અને તેનો રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને સુપરત કરાયો છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખરીફ સિઝનમાં પાકની ઉપજના બદલે નુકસાન વધારે જોવા મળ્યું છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત 14 જિલ્લાઓ વધુ અસરગ્રસ્ત રહ્યા હતા. હવે આગામી દિવસોમાં રાજ્ય સરકાર એક હજાર કરોડથી વધુની સહાય માટે જાહેરાત કરશે. ભારે વરસાદમાં કપાસ, મગફળી, ડાંગર સહિતના પાકને નુકસાન થયું છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ગુજરાત માટે 600 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું, જે ગત વર્ષના નુકસાની માટેનું હતું. સૌરાષ્ટ્રના ઘેડ સહિતના વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માટે પણ ખેડૂતોએ માગણી કરી હતી. ચાર દિવસ પહેલાં પણ માવઠાનો માર પડયો હતો, જેને લઈ ખેડૂત આગેવાનોએ દાવો કર્યો હતો કે, આગોતરા અને પાછોતર એમ બંને વાવેતરને માવઠું નુકસાનકારક છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે ઉદાર હાથે સહાય જાહેર કરવી જોઈએ, તે સંદર્ભે રાજ્યના કૃષિ વિભાગને વિવિધ ખેડૂત સંગઠનોએ પત્રો પાઠવ્યા છે.

છેલ્લે 9 જિલ્લાના દોઢ લાખ ખેડૂતો માટે 350 કરોડ જાહેર કરાયા હતા

છેલ્લે જુલાઈ 2024માં પણ ભારે વરસાદના કારણે નવ જેટલા જિલ્લાઓમાં ખેતી પાક બરબાદ થયો હતો, એ પછી રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભા ગૃહમાં એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે 350 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, જેમાં અંદાજે દોઢ લાખ જેટલા ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button