Brendan taylor Return: 3.5 વર્ષના પ્રતિબંધ બાદ આ દિગ્ગજ ક્રિકેટરની મેદાનમાં વાપસી, સચિનની ક્લબમાં સામેલ

એક તરફ ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં આઈસીસીના પ્રતિબંધ પૂર્ણ કર્યા પછી ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન ટેલર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે.
તેણે બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઈનિંગમાં 44 રન બનાવ્યા હતા. જ્યારે આખી ટીમ 125 રનમાં સમેટાઈ ગઈ હતી. નોંધનીય છે કે ઝિમ્બાબ્વે ટીમ 2 મેચની શ્રેણીમાં 0-1થી પાછળ છે.
આ કારણે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો
39 વર્ષીય ટેલરને એન્ટી કરપ્શન અને એન્ટી ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(આઈસીસી) દ્વારા સાડા ત્રણ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ટેલર સૌથી લાંબી ટેસ્ટ કારકિર્દીના સંદર્ભમાં 12મો ખેલાડી બન્યો
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી ઘણા દિગ્ગજ ખેલાડીઓ રહ્યા છે જેમની કારકિર્દી ખૂબ જ લાંબી રહી છે, જેમાં ઝિમ્બાબ્વે ટીમના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન ટેલરનું નામ પણ સામેલ છે. તેની ટેસ્ટ કારકિર્દી કુલ 21 વર્ષ અને 93 દિવસ સુધી પહોંચી ગઈ છે અને તે સૌથી લાંબા સમય સુધી આ ફોર્મેટ રમનાર 12મો ખેલાડી બન્યો છે. આ યાદીમાં બ્રાયન ક્લોઝ, સિડ ગ્રેગરી અને સચિન તેંડુલકર જ આગળ છે.
2004માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે ટેલરે 2004માં શ્રીલંકા સામે હરારે મેદાન પર રમાયેલી મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે બ્રેન્ડન ટેલરે 2021માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારે તેને ICCના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા દ્વારા 3.5 વર્ષના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. પ્રતિબંધ પૂર્ણ બાદ હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો છે.