પાટડીના ઈન્દીરાનગરમાં ગટરના નાળા પર બેસવા જેવી સામાન્ય બાબતે તા. 4-12ના રોજ યુવાન પર 2 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં સારવાર દરમિયાન યુવાનનું મોત થતા આ બનાવ હત્યામાં પરીણમ્યો છે. પોલીસે બન્ને શખ્સો સામે હત્યાની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે.
પાટડીના ઈન્દીરાનગરમાં રહેતો 30 વર્ષીય ગૌતમભાઈ મુળજીભાઈ સુરેલા મજુરી કામ કરે છે. તે તેના ઘરની બહાર આવેલા ગટરના ગરનાળા પર બેસતો હતો. ત્યારે કાનો ઉર્ફે જયદીપ રાવળ અને પાર્થ રાવળ ગૌતમભાઈને ગરનાળા પર બેસવાની ના પાડતા હતા. તા. 4-12ના રોજ બપોરના સમયે ગૌતમભાઈ ગરનાળા પર બેઠો હતો ત્યારે કાનો ઉર્ફે જયદીપ રાવળ અને પાર્થ રાવળે આવી અપશબ્દો કહી પેટના ભાગે છરી મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેમાં ગૌતમભાઈ ગટરના પાણીમાં પડી ગયા હતા. તેઓને પેટના પડખામાં ઈજા થતા સારવાર માટે પ્રથમ પાટડી સરકારી દવાખાને અને ત્યાંથી સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે સારવાર દરમીયાન ગૌતમભાઈ સુરેલાનું મોત થયુ હતુ. આથી પોલીસે બન્ને આરોપીઓ સામે હત્યાની કલમ ઉમેરીને વધુ તપાસ હાથ ધરી છે.
Source link