GUJARAT

Accident News: અકસ્માતના 5 બનાવમાં બે વ્યક્તિનાં મોત : 4ને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, જોરાવરનગર, ચૂડા અને બી ડીવીઝન પોલીસ મથકે અકસ્માતના 4 બનાવ નોંધાયા છે. જેમાં ચોટીલામાં રાજકોટના યુવાનનું, વસ્તડી પાસે ફુલગ્રામના શ્રમિક યુવાનનું કાર અડફેટે મોત થયુ છે. જયારે શહેરની શિવ હોટલ પાસે બાઈક ચાલકે એકસેસ સ્કૂટર પર સવાર મહિલાને અડફેટે લઈ ઈજા પહોંચાડી છે. આ ઉપરાંત મૂળી ગ્રામ્યમાં ઈકો કાર પલટી ખાતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે.

રાજકોટના શાસ્ત્રીનગરમાં રહેતા માધાભાઈ ઉર્ફે નરેશભાઈ કાળુભાઈ બોળીયાના ભાઈ રાજુભાઈ બોળીયા વેસ્ટ ઓઈલનો ધંધો કરે છે. તા. 21-11ના રોજ રાતના સમયે રાજુભાઈ પીકઅપ લઈને રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી પસાર થતા હતા. જેમાં ચોટીલાના મઘરીખડાના બોર્ડ પાસે પીકઅપ ઉભુ રાખી તેના ટાયરમાં હવા ચેક કરતા હતા. આ સમયે એક હાઈરાઈડર કારે રાજુભાઈને અડફેટે લીધા હતા. જેમાં તેઓને માથાના ભાગે અને પગના ભાગે ઈજા થતા સારવાર માટે ચોટીલા સરકારી દવાખાને લઈ જવાતા તેઓ મરણ પામ્યા હતા. બનાવની મૃતકના ભાઈ માધાભાઈએ અજાણ્યા કાર ચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી એ.બી.ભુસડીયા ચલાવી રહ્યા છે.

જયારે વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં રહેતા અમૃતભાઈ જેરામભાઈ વેગડા અમદાવાદ-રાજકોટ હાઈવે પર વસ્તડીના પાટીયા પાસે ફુલનાથ ભરડીયે મજુરીકામ કરતા હતા. ગત તા. 18મીએ સાંજે તેઓ રોડ ક્રોસ કરીને સામેની તરફ જતા હતા. ત્યારે લીંબડી તરફથી આવતી અલ્ટીસ કારના ચાલકે બેફીકરાઈથી ચલાવી અમૃતભાઈને અડફેટે લીધા હતા. જેમાં તેઓને માથામાં ઈજા થતા મોત થયુ હતુ. મૃતદેહને પીએમ માટે સાયલા દવાખાને લઈ જવાયો હતો. બનાવની મૃતકના ભાઈ વિજયભાઈ વેગડાએ જોરાવરનગર પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

આ ઉપરાંત વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ સોલંકી આર્મીમાં નોકરી કરે છે. તા. 20મીએ સાંજે તેમના પત્ની આરાધનાબેન 5 વર્ષના પુત્ર વિનાયકને સાથે લઈ એકસેસમાં પુષ્પકુંજ સોસાયટી જતા હતા. ત્યારે શિવ હોટલ પાસે એક બાઈક ચાલકે પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી એકસેસ સ્કુટર સાથે અકસ્માત કર્યો હતો. જેમાં માતા-પુત્ર બન્ને નીચે પટકાયા હતા. આ બનાવમાં આરાધનાબેનને ડાબા પગે ફેકચર અને શરીરે મુઢ ઈજા થતા સારવાર માટે સી. જે. હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની સુ.નગર બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એસ. પી. વાઘેલા ચલાવી રહ્યા છે.

ઈકો કારની નાળાની દીવાલ સાથે અથડાઈને ગુલાંટ

મૂળી તાલુકાના વીરપર ગામ પાસેથી પસાર થતી ઈકો કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર નાળાની દીવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ બનાવમાં કારમાં સવાર ત્રણ લોકોને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ બનાવ અંગે હજુ સાંજ સુધીમાં કોઈ પોલીસ ચોપડે નોંધ થઈ નથી.

થોરિયાળીના યુવાનની કાર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી

સાયલાના થોરિયાળી ગામે રહેતા દીપકભાઈ ચતુરભાઈ મકવાણા ખેતી કરે છે. તા. 25-10ના રોજ તેમના કૌટુંબીક ભાઈ હાલ બાવળાના મોરૈયા ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ મકવાણાએ તેઓને ફોન કરી મનસુખભાઈ મકવાણા સાથે પૈસાના કામે મૂળી જવાનું હોવાથી કાર માંગી હતી. જેમાં દીપકભાઈ સાયલા સર્કલ પાસે કાર દેવા ગયા હતા અને ધર્મેન્દ્રભાઈ તથા મનસુખભાઈ કાર લઈને ગયા હતા. બાદમાં મોડી રાત થઈ ત્યારે ધર્મેન્દ્રભાઈએ ફોન કરી કાર કાલ સવારે આપી જઈશુ તેમ કહ્યુ હતુ. બાદમાં સવારે કાર ન આવતા ફોન કરતા ફોન સ્વીચઓફ આવતો હતો. જયારે ગત તા. 27-10ના રોજ રાત્રે આ કાર ચુડાના કોરડા ગામના તળાવ પાસે અકસ્માતગ્રસ્ત હાલતમાં ટોટલ લોસ મળી આવી હતી. અને તેના ડેશબોર્ડમાં રહેલ ડોકયુમેન્ટ પણ ગાયબ હતા. દીપકભાઈને બાદમાં ખબર પડી કે, ધર્મેન્દ્રભાઈ મૂળી પંથકની કન્યાને લઈ ભાગી ગયો હતો. આ બનાવમાં ચાલક મનસુખભાઈ મકવાણા સામે દીપકભાઈએ કારને અકસ્માત કરી રૂ. 4 લાખનું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એચસી ગોપાલસીંહ ઝાલા ચલાવી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button