
ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “ભારતીય સેનાની એક ટુકડી યુદ્ધાભ્યાસ 2025ના 21મા સંસ્કરણ માટે અલાસ્કાના ફોર્ટ વેનરાઈટ પહોંચી ગઈ છે.
યુએસની 11મી એરબોર્ન ડિવિઝન સાથે મળીને હેલિબોર્ન ઓપરેશન્સ, પર્વતીય યુદ્ધ, UAS/કાઉન્ટર-UAS તેમજ સંયુક્ત વ્યૂહાત્મક અભ્યાસ કરવામાં આવશે. આ અભ્યાસ UN PKO તેમજ મલ્ટી-ડોમેન તૈયારીને વધુ મજબૂત બનાવશે.”
રક્ષણ ક્ષેત્રમાં વધતું સહકાર
છેલ્લા 20 વર્ષમાં અમેરિકાએ ભારતને 25 અબજ ડોલરથી વધારેના ડિફેન્સ કોન્ટ્રાક્ટ આપ્યા છે. તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને યુએસ કંપની જનરલ ઇલેક્ટ્રિક પાસેથી 99 GE-F404 ટર્બોફેન એન્જિનનું પહેલું કન્સાઇનમેન્ટ મળવાનું છે, જે સ્વદેશી તેજસ માર્ક-1A વિમાનોમાં લગાવવામાં આવશે.
આ સોદો ઓગસ્ટ 2021માં 716 મિલિયન ડોલરમાં થયો હતો. સાથે જ ભારત 113 વધુ એન્જિન ખરીદવા માટે એક અબજ ડોલરનો બીજો કરાર કરવાની તૈયારીમાં છે. તે સિવાય ભારતે અમેરિકાથી 3.8 અબજ ડોલરમાં 31 MQ-9B પ્રિડેટર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે, જે 2029-30 વચ્ચે મળવાનું શરૂ થશે.
માલાબાર અભ્યાસમાં ક્વાડ દેશો
સમુદ્રી ક્ષેત્રે પણ સહકાર આગળ વધી રહ્યો છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા મળીને પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ગુઆમ કિનારે નવેમ્બરમાં યોજાનારા માલાબાર નૌસેના અભ્યાસ માટે તૈયારી કરી રહ્યા છે.
1992માં શરૂ થયેલો આ અભ્યાસ શરૂઆતમાં માત્ર ભારત અને અમેરિકા વચ્ચે હતો, પરંતુ હવે તેમાં તમામ ક્વાડ દેશો જોડાઈ ગયા છે.