વઢવાણના એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાને વર્ષ 2017માં વસ્તડીનો યુવાન ભગાડીને લઈ ગયો હતો. જેમાં બન્ને મુંબઈ પહોંચ્યા હતા અને નવી બનતી ઈમારતમાં રોકાઈ આરોપીએ સગીરા સાથે કુકર્મ કર્યુ હતુ. આ બનાવનો કેસ બુધવારે સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી, ફોસલાવી ભગાડી જવાના અને સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હજુ મંગળવારે જ પોકસો કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા કરી છે. ત્યારે બુધવારે વધુ એક બનાવમાં કોર્ટે આરોપીને સજા ફટકારી ન્યાય તોળ્યો છે. વધુમાં માહિતી મુજબ વઢવાણ તાલુકાના એક નાના એવા ગામમાં રહેતી 15 વર્ષની સગીરાને તા. 14-11-17ના રોજ વસ્તડીનો રાજુ ખીમાભાઈ લગ્નની લાલચ આપી ભગાડીને લઈ ગયો હતો. આરોપી એક વર્ષ પહેલા પણ સગીરાને લઈ ગયો હોવાથી તેના ઘરે તપાસ કરવા છતાં તે મળી ન આવતા પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે થોડા દિવસ બાદ સગીરા વસ્તડી આવતા પરિવારજનોને જાણ થતા તેઓ દોડી ગયા હતા. અને સગીરાની પુછપરછ કરતા આરોપીએ બન્નેની જ્ઞાતી એક ન હોવાથી લગ્ન નહીં થાય, ચાલ આપણે ભાગીને લગ્ન કરીએ તેમ કહી ભગાડીને સગીરાના ગામથી બાઈક પર લીંબડી લઈ ગયો હતો. જયાંથી બન્ને ટ્રાવેલ્સમાં મુંબઈ ગયા હતા. મુંબઈમાં એક નવા બનતી ઈમારતમાં બન્ને રહેતા હતા. અને સગીરા સાથે આરોપીએ કુકર્મ કર્યુ હતુ. બાદમાં પૈસા ખુટી જતા બન્ને વસ્તડી પાછા આવ્યા હતા. સમગ્ર હકિકત સામે આવતા સગીરાની માતાએ આરોપી રાજુ ખીમાભાઈ સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી હતી અને આરોપીને જેલ હવાલે કર્યો હતો. આ અંગેનો કેસ બુધવારે સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીની દલીલો અને મૌખીક તથા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ એન.જી.શાહે આરોપી રાજુ ખીમાભાઈને 10 વર્ષની સજા ફટકારી છે.
આરોપી દુકાને પાણીના પાઉચ દેવા આવતા આંખો મળી ગઈ હતી
ભોગ બનનાર સગીરા તેના ઘર સાથે આવેલી પરચુરણ માલ-સામાનની દુકાને બેસતી હતી. ત્યારે આરોપી રાજુ અવારનવાર પાણી પાઉચ, પાણીની બોટલો દેવા તેમની દુકાને આવતો હતો. આ સમયે બન્નેની આંખ મળી ગઈ હતી અને રાજુ સગીરાને ભગાડીને લઈ ગયો હતો.
પૈસા ખુટી જતા સોનાનુ લોકેટ વેચ્યુ હતુ
સગીરાને તેના ઘરે રહેલુ સોનાનુ લોકેટ બહુ ગમતુ હતુ. આથી રાજુ જયારે તેને ભગાડી ગયો હતો ત્યારે સગીરા આ લોકેટ સાથે લઈ ગઈ હતી. જયાં રાજુ પાસે રહેલ પૈસા ખુટી જતા સોનાનુ લોકેટ વેચી દીધુ હતુ. પરંતુ તેના પૈસા પણ ખુટી જતા બન્ને વસ્તડી ખાતે પરત આવ્યા હતા.
સગીરા ઘરેથી દરણુ દળાવવાનું કહીને ગઈ હતી
સગીરાના પરિવારજનો ખેતમજુરી કરવા ગયા હતા. ત્યારે સગીરા ઘરે દરણુ દળાવવા જાઉ છું તેમ કહીને ગઈ હતી. બાદમાં પરિવારજનો આવીને પુછપરછ કરતા તે દરણુ દળાવીને પરત આવી ન હોવાનું સામે આવતા તપાસ આદરી હતી. જેમાં રાજુ ખીમા તેને સગીરાને ભગાડીને લઈ ગયાનું સામે આવ્યુ હતુ.
સગીરાને વળતર ચૂકવવા કોર્ટનો હુકમ
ભોગ બનનારને વળતર માટેની યોજના, વર્ષ 2019ના નિયમો મુજબ કોર્ટે સગીરાને રૂ. 1.50 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનુની સેવા સમિતિને હુકમ કર્યો છે. આ ઉપરાંત આરોપીના ભરેલ દંડની રકમ રૂ. 18 હજાર પણ સગીરાને વળતર તરીકે આપવા જણાવાયુ છે. આ રકમ રૂ. 1.68 લાખમાંથી 80 ટકા રકમની ભોગ બનનારના નામની રાષ્ટ્રીયકૃત બેંકમાં થાપણ મુકવાની રહેશે. જયારે 20 ટકા રકમ એકાઉન્ટ પે ચેકની ભોગ બનનારને આપવાની રહેશે.
Source link