વકફ સુધારા બિલ પર વિચારણા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની બેઠકમાં ફરી એકવાર હંગામો થયો હતો. બીજેપી સાંસદ અભિજીત ગંગોપાધ્યાય અને વિપક્ષી સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી એટલી વધી ગઈ કે સભાની વચ્ચે જ તૃણમૂલ કોંગ્રેસના સભ્ય કલ્યાણ બેનર્જી ગુસ્સે થઈ ગયા અને પાણી ભરેલી કાચની બોટલ તોડી નાખી. સૂત્રોએ જણાવ્યું કે આ અભદ્ર વર્તન બદલ ટીએમસી નેતાને સમિતિમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બેઠકમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી
મહત્વનું છે કે આ ઘટના આજે જેપીસીની બેઠકમાં જોવા મળી હતી. કલ્યાણ બેનર્જી અને બીજેપી સાંસદ ગંગોપાધ્યાય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન બેનર્જીના અંગૂઠા અને તર્જનીમાં ઈજા થઈ હતી. જેના કારણે તેમને પ્રાથમિક સારવાર આપવી પડી હતી. બાદમાં તેમને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ દ્વારા મીટિંગ રૂમમાં પાછા લઈ જતા જોવા મળ્યા હતા.
વકીલો સાથે થઇ હતી વાતચીત
મહત્વનું છે કે બીજેપી સાંસદ જગદંબિકા પાલની આગેવાની હેઠળની સમિતિની બેઠક મળી હતી. નિવૃત્ત ન્યાયાધીશો અને વકીલોના જૂથના મંતવ્યો સાંભળી રહી હતી. ત્યારે જ વિપક્ષી સભ્યોએ પૂછ્યું કે તેમને આ બિલ સાથે શું કરવું છે. આ પછી સત્તાધારી પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. મામલો એટલો વધી ગયો કે હોબાળો મચી ગયો.
સોમવારે પણ થયો હતો હંગામો
સોમવારે સંસદમાં યોજાયેલી વકફ સુધારા બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં હોબાળો થયો હતો. જ્યાં લઘુમતી મંત્રાલયમાં રજૂઆત દરમિયાન સત્તાધારી ભાજપ અને એનડીએના સાંસદો અને વિરોધ પક્ષોના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બેઠક દરમિયાન વિપક્ષી સાંસદોએ કહ્યું કે એક વર્ષ પહેલા સુધી કેન્દ્ર સરકારને આ બિલ લાવવાની કોઈ જરૂર દેખાતી ન હતી, હવે અચાનક આ બિલ લાવવામાં આવ્યું છે.
Source link