આંધ્રપ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોની મદદ માટે અદાણી ગ્રુપ આગળ આવ્યું છે. એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક જૂથોમાંના એક અદાણી ગ્રુપે પૂરથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે તેના CSR વર્ટિકલ અદાણી ફાઉન્ડેશનમાંથી રૂપિયા 25 કરોડનું દાન આપ્યું છે.
આંધ્રપ્રદેશમાં પૂરથી 10 હજારથી વધુ લોકો પ્રભાવિત
તમને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું છે, અહીં પૂરથી 10 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ અંગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ આ મુશ્કેલ સમયમાં આંધ્રપ્રદેશના લોકોની સાથે છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા અમે રૂપિયા 25 કરોડનું યોગદાન આપીએ છીએ.
કરણ અદાણીએ મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુને આપ્યો ચેક
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુને 25 કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું અને તેમણે વધુમાં કહ્યું કે અમારા વિચારો આંધ્રપ્રદેશના લોકો સાથે છે કારણ કે તેઓ તેમના જીવન અને આજીવિકાનું પુનઃનિર્માણ કરી રહ્યા છે.
પૂરના કારણે 1085.46 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ
મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશની કૃષ્ણા નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે અત્યાર સુધીમાં લગભગ 1085.46 કરોડ રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. આંધ્રપ્રદેશ સરકારે પૂર પ્રભાવિત લોકો માટે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં માછીમારો, ખેડૂતો અને નાના ઉદ્યોગોના વળતરનો સમાવેશ થાય છે. આ પૂરના કારણે ઘણા ગામો તબાહ થઈ ગયા છે અને મોટી સંખ્યામાં લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
જાણો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શું કહ્યું
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે કે સરકાર પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, અગાઉના શાસકોની બેદરકારી અને ગેરરીતિઓ અભિશાપ બની ગઈ છે અને જો સમયસર કામ પૂર્ણ થયું હોત તો કોઈ મુશ્કેલી ન પડતી. પત્રકાર પરિષદને સંબોધતા સીએમ નાયડુએ જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે કૃષ્ણા નદીમાં ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધીને 11.3 લાખ ક્યૂસેક થઈ ગયો. જેના કારણે લોકોને પુરની સ્થિતિનો સામનો કરવો પડ્યો.