અમરેલી જિલ્લામાં કપાસની આવક સારી જોવા મળી છે, દિવાળી પહેલા કપાસના ભાવ ઓછા હતા પણ આજે દિવાળી બાદ કપાસના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
દોઢ મહિનાથી ખેડૂતો કપાસ વેચવા માટે એપીએમસીમાં આવી રહ્યા છે
અમરેલી જિલ્લામાં સાડા ત્રણ લાખ હેક્ટરમાં કપાસનું બમ્પર વાવેતર થયું છે અને છેલ્લા દોઢ મહિનાથી ખેડૂતો કપાસ વેચવા માટે એપીએમસીમાં આવી રહ્યા છે. જો કે શરૂઆતમાં એટલે કે દિવાળી પહેલા કપાસનો ભાવ 1100થી 1400 રૂપિયા સુધીનો મળતો હતો પણ દિવાળી બાદ કપાસના ભાવમાં સુધારો આવ્યો અને ખેડૂતોને કપાસના ભાવ રૂપિયા 1500થી વધુ મળી રહ્યા છે, જેનાથી ખેડૂતો ખુશ છે અને ખેડૂતોએ સારા ભાવ બાબતે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
1500 રૂપિયાથી વધુ ભાવ ખેડૂતોને મળ્યા
અમરેલી જિલ્લામાં શરૂઆતમાં હવામાન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કપાસનો ઓછો ભાવ મળી રહ્યો હતો પણ હાલ દિવાળી પછી કપાસના ભાવમાં ખૂબ જ મોટો સુધારો જોવા મળ્યો છે અને આવક પણ બમ્પર જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતોને હાલમાં 1400 રૂપિયાથી 1,600 સુધીનો ભાવ મળે છે અને જેનાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 1 લાખ કટ્ટાની વિક્રમી આવક જોવા મળી છે. માર્કેટ યાર્ડમાં હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ રૂપિયા 500થી લઈને 1000 સુધીના બોલાયા છે. ગોંડલ યાર્ડમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના વેપારીઓ ડુંગળી ખરીદી માટે આવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે. હજુ પણ ગોંડલ યાર્ડમાં ડુંગળીની રોજિંદી આવક યથાવત જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે ગઈકાલથી જ સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી કરવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે અમરેલી જિલ્લામાં ગઈકાલથી જ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે ટેકાના ભાવે મગફળીનો પ્રારંભ થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો અને સરકારનો આભાર માન્યો હતો.
Source link