છ હજાર કરોડના કૌભાંડના તાર અમદાવાદ સુધી પહોંચ્યાની વિગતો બહાર આવી છે. બીઝેડ ગ્રૂપના એેજન્ટે દંપતીને છ માસમાં રોકાણ સામે ડબલ રકમની લાલચ આપી રૂ.15.62 લાખની છેતરપિંડી આચરી હતી. બીઝેડ ગ્રૂપમાં રોકેલા નાણાં પાકતી મુદ્તે પરત ના મળતા દંપતીએ એજન્ટ પાસે ઉઘરાણી કરી હતી. એજન્ટે અપશબ્દો બોલી ધમકી આપી કે, બીઝેડના માલિકની મોટા નેતા અને એમએલએ સાથે બેઠક છે. પોલીસ અમે ખિસ્સામાં લઈને ફરીએ છીએ. પૈસા માંગવા ફરી આવશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી એજન્ટે આપતા દંપતીએ પોલીસમાં લેખિત રજૂઆત કરી હતી. બનાવને પગલે સેટેલાઈટ પોલીસે છેતરપિંડી અને ધાકધમકીના ગુના અંગે તપાસ શરૂ કરી ભોગ બનનારનું નિવેદન લીધું હતું.
સેટેેલાઈટમાં જોધપુર ખાતે પ્રેરણાતીર્થ રોડ પર આવેલા ફલેટમાં રહેતાં દંપતી માનસીબહેન અને તેમના પતિ વિજયભાઈના મિત્ર વર્તુળમાં સામેલ એસ્ટેટ બ્રોકર શ્રીકાંતે દંપતીને પોતે બીઝેડ ગ્રૂપનો એજન્ટ હોવાની વાત કરીને રોકાણ સામે છ માસમાં નાણાં ડબલ કરી આપવા જણાવ્યું હતું. રોકેલા નાણાંની જવાબદારી પોતાની રહેશે તેમ શ્રીકાંતે જણાવતા દંપતીને તે મિત્ર થતો હોવાથી તેની પર વિશ્વાસ બેઠો હતો. માનસીબહેન અને વિજયભાઈએ તેઓ પાસે પડેલી બચત મૂડી ઉપરાંત પોતાના દાગીના વેચીને કુલ રૂ.15.62 લાખની રકમ બીઝેડ ગ્રૂપના એજન્ટ શ્રીકાંતને આપ્યા હતા. જૂન,2024માં દંપતીએ રોકાણ કર્યા બાદ પાકતી મુદતે છ માસ બાદ રોકાણ સામે ડબલ નાણાં લેવા જતા એજન્ટ ગોળગોળ જવાબ આપતો હતો. દંપતીએ પૈસાની અવારનવાર માંગણી કરી પણ તે વાયદા કરતો હતો. દરમિયાન બીઝેડ ગ્રૂપના કૌભાંડો અંગે જાણકારી મળતા માનસીબહેન ગત તા.10મી ડિસેમ્બરે શ્રીકાંતના ઘરે પૈસા લેવા માટે પહોંચ્યા હતા. તે સમયે ઉશ્કેરાયેલા શ્રીકાંત અને તેના પિતાએ મહિલાને મારી નાંખવાની ધમકી આપી તેમજ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. દંપતીને ધમકી આપતા બાપ-બેટાએ જણાવ્યું કે, આજ પછી પૈસા લેવા આવવું નહી કે ફોન કરવો નહીં. પોલીસ ફરિયાદ કરવી હોય તો કરી લેવી. અમારા બીઝેડ ગ્રૂપના માલિકની ઉઠકબેઠક મોટા નેતા અને એમએલએ જોડે છે. પોલીસને અમે ખિસ્સામાં લઈને ફરીએ એટલે તમારાથી જે થાય એ ઉખાડી લો, પૈસા નહી મળે. આ પ્રકારના જવાબથી હેબતાઈ ગયેલા પતિ-પત્નીએ બંને જણા સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશન સહિત અનેક સ્થળોએ લેખિત રજૂઆત કરી હતી. સેટેલાઈટ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી દંપતીનું નિવેદન લઈને તપાસ શરૂ કરી છે.
લોકલ પોલીસ સ્ટેશનોમાં થયેલી અરજીની તપાસ કોણ કરશે ?
બીઝેડ ગ્રૂપમાં ભોગ બનેલા અનેક લોકોએ લોકલ પોલીસ સ્ટેશનમાં અરજી કર્યાની વિગતો બહાર આવી રહી છે. આ પેન્ડીંગ અરજીઓની તપાસ કોણ કરશે તે મોટો પ્રશ્ન છે. સીઆઈડી ક્રાઈમે બીઝેડના સંચાલકો સામે ગુના દાખલ કર્યા પણ લોકલ પોલીસ સ્ટેશનમાં રહેલી અરજીમાં ગુના દાખલ થયા નથી. આ મામલે રાજ્યના કેટલા પોલીસ સ્ટેશનમાં કેટલી અરજીઓ પેન્ડીંગ છે તેની કોઈ વિગતો નથી. આ અરજીઓ આધારે ગુના નોંધી કોણ તપાસ કરશે તે મુદ્દો પણ સ્પષ્ટ નથી.
Source link