GUJARAT

Ahmedabad: 65 કામો પૈકી 12 કામો પૂરાઃ 50% કામોમાં ગોકળગાયની ગતિ

AMCના 2024-25ના વર્ષના રૂ. 12,263 કરોડના બજેટમાં મંજૂર કરાયેલા કામો પૈકી રૂ. 2,863 કરોડના 25 લાખના કામો પૂરા કરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષના બજેટમાં 65 કામો પૈકી 12 વિકાસ કાર્યો પૂરા કરાયા છે જ્યારે 46 કામો પ્રગતિમાં છે અને 7 કામો બાકી હોવાનું જાણવા મળે છે.

આમ, AMC દ્વારા ચાલુ વર્ષ માટે મંજૂર કરાયેલા કામો પૈકી 50 ટકા જેટલા કામોમાં ગોકળગાયની પ્રગતિ જોવા મળે છે. જોકે, 46 કામોમાં કેટલી પ્રગતિ થઈ, કયા તબક્કે કામગીરી ચાલી રહી છે, કયા કારણોથી કામો ઝડપથી પૂરા થઈ શક્યા નથી, વગેરે જેવી માહિતી આપવામાં આવી નહોતી. રોડના કામોમાં મંથરગતિ મુદ્દે ડે. મેયર જતીન પટેલે નારાજગી વ્યક્ત કરી હતી અને રોડના કામો માટે દરરોજ 15 પેવર ચલાવવા જોઈએ અને મિનિમમ 300 મે. ટન કામ કરવા માટે ટેન્ડરોની શરતો અને જોગવાઈમાં સુધારો કરવા તેમણે સૂચના આપી હતી.

મેયર પ્રતિભાબેન જૈનના અધ્યક્ષપદે યોજાયેલી બજેટ રીવ્યુ મીટિંગમાં AMC કમિશનર એમ. થેન્નારસન, તમામ DYMC સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, મ્યુનિ. કમિશનરે રજૂ કરેલા રૂ. 10,801 કરોડના બજેટમાં શાસક પક્ષ દ્વારા રૂ. 883.50 કરોડનો વધારો સૂચવીને કુલ રૂ. 12,262.83 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. શાસક BJP દ્વારા સૂચવાયેલા રૂ. 883 કરોડનાં ખર્ચે 65 કામો પૈકી 12 કામો પૂરા થઇ ગયાં છે, 7 કામો બાકી છે અને ચાલી રહેલા 46 કામો ચાલુ નાણાંકીય વર્ષમાં પૂરા કરવા AMC અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જ્યારે કલેક્ટર કચેરી પાસેથી જમીનનો કબજો નહીં મળવાને કારણે કઠવાડા ગૌશાળાનું કામ પૂરૂં થયું નથી. અગ્રણી કંપની દ્વારા PPP ધોરણે રૂ.20 કરોડનું MRI મશીન મળવાનું હોવાથી તે કામ બાકી છે અને શહેરમાં WiFi સુવિધાની કામગીરી બાકી છે. ગત વર્ષની તુલનાએ કેપિટલ ખર્ચ વધારીને વિકાસકાર્યો પાછળ રૂ.2,863.25 કરોડનો ખર્ચ કરાયો છે. AMC અધિકારીઓ દ્વારા વિકાસ કાર્યોની માહિતી આપતી વખતે અંદાજ બની રહ્યો છે, અંદાજ મંજૂરીમાં છે, તેવુ વારંવાર કહેતાં ડે. મેયર જતીન પટેલે કહ્યું કે, અંદાજ મંજૂરીના નામે 6 થી 8 મહિના સુધી કામગીરી ના થાય તે ચાલે નહીં.

AMC બજેટ માટે નાગરિકોના 2,951 સૂચનો

બજેટમાં જનભાગીદારીનો અભિગમ અપનાવવા AMC દ્વારા નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકોએ ઈ-મેઈલ મારફતે કુલ 2,951 સૂચનો કર્યા છે. જેમાં ફરજિયાત સેવાઓ અંગે 2,019, મરજિયાત સેવા અંગે 784, આવકમાં વધારો કરવા 10 અને AMCની સેવાઓ સુધારવા 138 સૂચનો કરવામાં આવ્યા છે. નાગરિકોએ કરેલા સૂચનોમાં રોડ -454, બ્રિજ – 60, બિલ્ડીંગ – 47, પાણી- 287, ગટર- 374, ટ્રાફ્કિ- 115, હાઉસીંગ- 34, હેલ્થ-સફઇ – 226, લાઇટ- 246, સ્મશાન- 06, સ્કૂલ- 41, ફયર- 129, એસ્ટેટ- 127, હોસ્પિટલ- 45, બગીચા- 154, સ્નાનાગાર- 70, CNCD – 54, તળાવો- 10, લાયબ્રેરી – 35, હોલ- 92, સ્પોર્ટસ- 47, પાર્ટીપ્લોટ- 69.

ચાર વર્ષમાં AMC શાસકો રૂ. 7,622 કરોડનું બજેટ વાપરી શક્યા નથીઃ વિપક્ષ

AMCના શાસક પક્ષ દ્વારા 2019-20થી 2022-23 સુધીના ચાર વર્ષના સમયગાળા દરમિયાન રૂ, 34,594 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું અને તે પૈકી રૂ. 7,622 કરોડનું બજેટ વાપરી શક્યા ન હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે. મ્યુનિ. ભાજપના શાસકો દ્વારા દર વર્ષે બજેટ મંજૂર કરવામાં આવ્યા પછી વર્ષના અંતે બજેટ રિવાઈઝડ કરવામાં આવે છે. AMC દ્વારા કરોડોનું બજેટ વાપરી શકાયું નથી ત્યારે બજેટના કામો અંગેનો પ્રોગ્રેસ રીપોર્ટ અને કામો ઝડપથી પૂરા કરવા માટે કામોને અગ્રતા આપવા માટે યોજાયેલી બજેટ રીવ્યુ મીટિંગને તેમણે હાસ્યાસ્પદ ગણાવી છે. દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવતું હોવા છતાં પ્રજાકીય કામો ખોરંભે પડે છે અને બિસ્માર રસ્તા, સાબરમતી નદીમાં વધતું જતું પ્રદૂષણ, એર પોલ્યુશન, ટ્રાફિકની સમસ્યા, વરસાદી પાણીનો નિકાલ, પીરાણામાં કચરાનો ડુંગર, ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા, પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યા સહિત રોજિંદી સમસ્યાઓ વધતી જાય છે. 2024-25ના બજેટમાં રિવરફરન્ટ ખાતે ફાયર ચોકી બનાવવા, 500 નંગ એર મોનિટરિંગ સિસ્ટમ ખરીદવા, માઈક્રો ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા, 15 તળાવોનું ઈન્ટરલિન્કિંગ, 40 સ્માર્ટ પાર્કિંગ, લાંબા, મક્મતપુરામાં CHC બનાવવા સહિતના મંજૂર કરાયેલ કામો થયા નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button