અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સુપ્રીટેન્ડન્ટ કસ્ટમ અધિકારી દ્વારા સાયબર ક્રાઈમને માહિતી મળી હતી કે એક પાર્સલ વડોદરાથી આવ્યું છે જે દુબઈ મોકલવાનું છે. જેમાં 55 જેટલા શંકાસ્પદ સીમકાર્ડ મળી આવ્યા છે. સાયબર ક્રાઈમે આ અંગે વધુ તપાસ શરૂ કરી હતી.
સાયબર ક્રાઈમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઈસમો મળી આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમે રાહુલ શાહ, કાન્તી બલદાણીયા અને અજય ભાલીયા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ દુબઈમાં આ સીમકાર્ડ કોને મોકલતા હતા તથા ટેલિગ્રામ આઈડીથી સંપર્કમાં આવેલા આરોપીઓ કોણ છે અને આ સીમકાર્ડનો ક્યાં ઉપયોગ થતો હતો. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રાહકોના આધારકાર્ડ અને ફીંગરપ્રિન્ટથી સીમકાર્ડ એક્ટિવ કરતા
આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે નવા સીમકાર્ડ ખરીદવા માટે આવતા ગ્રાહકોના બે પ્રકારે સીમકાર્ડ કાઢતા હતા. ડીજીટલ પ્રોસેસથી ગ્રાહકની બાયોમેટ્રીક ફીંગરપ્રિન્ટ અને આધારકાર્ડ નંબર નાખી સીમકાર્ડ કાઢતા બાદમાં પ્રોસેસ ઓફલાઈન કરીને ગ્રાહકનો ફોટો પાડી ગ્રાહકના આધારકાર્ડનો ફોટો અપલોડ કરીને તેના નામે સીમકાર્ડ એક્ટીવ કરતા હતા. બાદમાં એક સીમકાર્ડ જે તે ગ્રાહકને આપતા જ્યારે બીજુ કાર્ડ તે પોતાની પાસે રાખતા હતા.
55 સીમકાર્ડ ભેગા કર્યા
આરોપીઓએ આ રીતે 55 જેટલા સીમકાર્ડ ભેગા કર્યા હતા અને ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ કરવા માટે દુબઈ મોકલી આપવાના હતા. આરોપીએ મોકલેલા પાર્સલમાં અજાણ્યા ઈસમનું નામ લખીને સ્પીડ પોસ્ટ કર્યું હતું. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે રાહુલ શાહ પાસેથી કાન્તી બલદાણીયા સીમકાર્ડ ખરીદતો અને તેની પાસેથી અજય ભાલીયા સીમકાર્ડ મેળવતો હતો. અજય ભાલીયા દુબઈમાં કોઈ નવીન નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો. જે સીમકાર્ડ તેને મોકલી આપવાના હતા અને તેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિમાં કરવાના પ્લાનિંગમાં હતા. જો કે સાયબર ક્રાઈમે તેઓના પ્લાનિંગ પર પાણી ફેરવી દીધું છે.
કોને અને કેટલા રૂપિયામાં સીમકાર્ડ મોકલ્યા તેને લઈ તપાસ શરૂ
આરોપીઓએ અગાઉ ક્યારેય આ રીતે સીમકાર્ડ કોઈને મોકલાવ્યા છે કે કેમ અને કેટલા રૂપિયામાં સીમકાર્ડ વેચતા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન આ અંગે વધુ હકીકત સામે આવે તેવી શક્યતા રહેલી છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે અને અન્ય નવા કેટલા આરોપીઓની ધરપકડ થાય છે તે જોવુ મહત્વનું છે.
Source link