- આજે સવારે નવ વાગ્યે હાજર નહીં થનારા સામે શિક્ષાત્મક પગલાંનું અલ્ટીમેટમ
- ઓપીડીમાં સારવાર માટે કલાકો સુધી રઝળપાટ, માંડ 26 ઓપરેશન થયા, કણસતા દર્દીઓ લાચાર
- 3,857 દર્દી ઓપીડીમાં નોંધાયા, 139ને દાખલ કરાયા, ઈમરજન્સીમાં તકલીફ પડી નથી : હોસ્પિટલ તંત્ર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્ન, જુનિયર ડોક્ટરોની હડતાળને કારણે સોમવારે દર્દીઓને કણસવાનો વારો આવ્યો હતો, સરકારે તબીબી વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડમાં 20 ટકા જેટલો વધારો કર્યો છે, જોકે 20 નહિ પરંતુ 40 ટકા વધારો કરવાની માગ સાથે 1,100 જેટલા ડોક્ટરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે,
જેના કારણે સોમવારે સવારે 9થી સાંજના પાંચ વાગ્યા સુધીના અરસામાં આયોજનવાળી માંડ 26 સર્જરી થઈ શકી હતી એટલે કે 50 ટકા સર્જરી પર કાપ મુકાયો છે. હડતાળ છતાં ઓપીડીમાં 3,857 દર્દીઓ નોંધાયા હતા, જેના કારણે દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ સરકારની સૂચના બાદ બી.જે. મેડિકલ કોલેજના તબીબી અનુસ્નાતક શિક્ષણ અને સંશોધનના નિયામક તેમજ કોલેજના ડીને હડતાળિયા ડોક્ટરોને મંગળવારે સવારે નવ વાગ્યે ફરજ ઉપર હાજર રહેવા સૂચના આપી છે, જો તબીબો હાજર નહિ થાય તો શિક્ષાત્મક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ દાવો કર્યો છે કે, હડતાળ દરમિયાન ઈમરજન્સી સેવાઓને કોઈ અસર થઈ નથી, પ્લાન્ડ સર્જરી પર અસર થઈ છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 110થી વધુ તબીબોને કામે લગાડાયા છે, જે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યા છે, 110થી વધુ તબીબોની વ્યવસ્થા કરાઈ તેમાં 50 જેટલા મેડિકલ ઓફિસરને આસપાસના કેન્દ્રોમાંથી બોલાવાયા છે, સિવિલમાં જ નોન ક્લિનિકલ સહિતની કામગીરી કરનારા તબીબોને જવાબદારી સોંપાઈ છે અને રજાઓ રદ્ કરાઈ છે. જરૂર પડશે તો વધારાના તબીબો બહારથી બોલાવવાની દરખાસ્ત આરોગ્ય વિભાગ સમક્ષ કરાશે. સૂત્રો કહે છે કે, સોમવારે 3857 દર્દી ઓપીડીમાં નોંધાયા હતા જ્યારે 139 જેટલા દર્દીને દાખલ કરાયા છે. 8 ડિલિવરી થઈ અને 26 ઓપરેશન થયા છે. ફ્રેક્ચર, પેશાબની તકલીફને લગતા વિવિધ પ્લાનવાળા ઓપરેશન રદ કરવા પડયા છે, દાખલ દર્દીઓમાં પણ ઘટાડો જોવાયો છે.
સિવિલમાં સ્ટ્રોકના પેશન્ટને હાંકી કઢાયા, ઝાંપે સિક્યોરિટી દર્દીઓને ભગાડવાના રોલમાં !
રાજસ્થાનના ડુંગરપુરથી સ્ટ્રોકના કેસમાં દર્દીને સારવાર માટે સિવિલમાં લવાયા હતા, જોકે હડતાળ હોવાનું કહી કાઢી મુકાયા હતા, જોકે અંતે રકઝક બાદ સારવાર મળી હતી. સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે તૈનાત સિક્યોરિટી ગાર્ડ પણ જાણે દર્દીઓને ગેટ પરથી જ ભગાડી દેવાના મૂડમાં હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. કૃષ્ણનગરથી એક મહિલા દર્દી ધારાસભ્યની ભલામણ સાથેના પત્ર સાથે સારવાર માટે સવારે 11 વાગ્યે આવ્યા હતા, તેમને એમઆરઆઈની ભલામણ કરાઈ હતી પણ બપોરે પોણા ચાર સુધી એમઆરઆઈની તારીખ મેળવવા માટે રઝળપાટ કરવો પડયો હતો, આવો જ અનુભવ ધોળકાના શાહીદખાન નામના દર્દીને પણ થયો હતો.
ધમકીને પગલે સોલા સિવિલમાં હડતાળ નહિ? : દર્દીઓને રાહત
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઈન્ટર્ન સહિતના જુનિયર તબીબો હડતાળમાં જોડાયા નથી, જેના કારણે સોલા સિવિલમાં પ્લાન્ડ સર્જરી-ઓપરેશન, ઓપીડીને કોઈ અસર થઈ નહોતી. સૂત્રો કહે છે કે, સોલામાં તબીબી વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહિ બેસવા દેવા સહિતની ધમકી અપાઈ હતી, જેના કારણે તેઓ હડતાળમાં જોડાયા નથી. મંગળવારે તેઓ હડતાળમાં સામેલ થાય તેવી શક્યતા છે.
સરકારના અગાઉના ઠરાવમાં 40 ટકા વધારાનો કોઈ જ ઉલ્લેખ નથી
અસારવા સિવિલમાં વધુ સ્ટાઈપેન્ડની માગણીને લઈ તબીબી વિદ્યાર્થીઓ હડતાળ ઉપર ઉતર્યા છે, સરકારે 30મી એપ્રિલ 2021ના રોજ ઠરાવ કર્યો હતો, એ ઠરાવમાં 40 ટકાના દરે વધારો થશે તે મતલબનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો ના હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે. તબીબી વિદ્યાર્થીઓની ઉશ્કેરણી પાછળ કોનો હાથ છે તેને લઈને પણ સિવિલ કેમ્પસમાં ચર્ચા જામી છે.
સરકાર આશ્વાસન મુજબ માગ પૂરી કરે : જુનિયર ડોક્ટરો
હડતાળના પ્રથમ દિવસે બી. જે. મેડિકલ કોલેજમાં અમદાવાદના જુનિયર ડોક્ટરો સરકારના સ્ટાઇપેન્ડમાં 20% વધારો અને પાંચ વર્ષ સુધીના ફ્ક્સિેશનનો વિરોધ કરતાં સંપૂર્ણ હડતાળનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા છે. આરોગ્યમંત્રીના આશ્વાસન મુજબના સ્ટાઈપેન્ડ વધારો અને આવતા 10 વર્ષથી મોંઘવારી મુજબ સ્ટાઇપેન્ડમાં વધારો કરવા ફ્ક્સિ પોલિસીનો અમલ કરવામાં આવે તેવી અમારી માગ છે. સતત વધતી જતી મોંઘવારી, મેડિકલ કોલેજોના અસહ્ય ફી વધારા જેવા પરિબળો અમારી માગણીઓને યોગ્ય પુરવાર કરે છે. અમે આવતીકાલે પણ સમગ્ર ગુજરાતના જુનિયર ડૉક્ટરોના સહયોગથી અમારી લડત ચાલુ રાખવા કટિબદ્ધ છીએ.
AMC હોસ્પિટલોમાં હડતાળની અસર નહીં : રાબેતા મુજબ સેવા
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં સ્ટાઈપેન્ડ વધારાની માંગણી સાથે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. જોકે, AMC સંચાલિત SVP, LG, નગરી આંખની હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા નથી અને તેના પરિણામે મ્યુનિ. હોસ્પિટલોમાં રાબેતા મુજબ OPD જોવા મળી છે.રેસિડેન્ટ ડોક્ટરો હાજર રહેતા OPD સારવારને કોઈ અસર થઈ નથી અને દર્દીઓને હાલાકી પડી નહોતી.
બી.જે. મેડિકલ કોલેજે પગલાં ભરવા શાહીબાગ પોલીસને પત્ર લખ્યો !
બી.જે. મેડિકલ કોલેજે હડતાળને લઈ શાહીબાગ પોલીસને પત્ર લખ્યો છે, જેમાં કહેવાયું છે કે, આ સરકારી સંસ્થાનો સરકાર વિરુદ્ધ વિરોધ પ્રગટ કરવા માટે ઉપયોગ થઈ રહ્યો છે, આ સંદર્ભે કાયદાકીય પગલાં લેવાની ચીમકી ઉચ્ચારાઈ છે અને તેની જાણ તબીબોના એસોસિયેશનને પણ કરાઈ છે. હવે કોલેજ તંત્રે રેસિ. તથા ઈન્ટર્ન ડોક્ટરો દ્વારા કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પગલાં ભરવા પોલીસને જાણ કરી છે.
Source link