GUJARAT

Ahmedabad: છેલ્લા 8 મહિનામાં 644 લાઇસન્સ સસ્પેન્ડ: રોંગ સાઇડ,જોખમી ડ્રાઇવિંગના જ 400કેસ

  • ટ્રાફિકના વિવિધ નિયમો ભંગ કરનારના લાઇસન્સ 3થી 6 મહિના સુધી સસ્પેન્ડ કરી દેવાય છે
  • 384 સુભાષબ્રિજ, 171 વસ્ત્રાલ અને 89 બાવળા RTO કચેરી દ્વારા સસ્પેન્ડ કરાયા
  • બાવળામાં 89માંથી 35 ટકા એટલેકે 30 લાઇસન્સ અકસ્માતના ગુનામાં જ સસ્પેન્ડ કરી દેવાયા

હાઇકોર્ટે તાજેતરમાં જ ટકોર કરી હતી કે, જોખમી ડ્રાઇવિંગ કરનાર સામે કડક કાર્યવાહી થવી જોઇએ. જોકે આરટીઓ પણ છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકના નિયમો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. માહિતી મુજબ અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ માત્ર આઠ મહિનામાં જ 644 લાઇસન્સ સસ્પેન્ડ કરીને આરટીઓ કચેરીએ સપાટો બોલાવ્યો છે.

ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરસ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, અકસ્માત અને રોંગ સાઇડ વાહનો દોડાવતા નબીરાઓને ઝડપીને મેમો ઇસ્યુ કરાય છે અને તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓ ઓથોરિટીને જાણ કરવામાં આવે છે. જેના આધારે આરટીઓ કચેરીમાં સુનાવણી થાય છે અને સુનાવણી બાદ 3થી 6 મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરાય છે. સસ્પેન્ડ લાઇસન્સમાં સૌથી વધુ રોંગસાઇડ અને જોખમી ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં લાઇસન્સ સસ્પેન્ડની કડક કાર્યવાહી કરાતી હોવા છતાં વાહનચાલકો બેફામ વાહનો હંકારતા જોવા મળે છે. વર્ષ 2021થી 2024 એટલે કે, છેલ્લા ચાર વર્ષમાં સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓ કચેરીએ કુલ 2,481 લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે આઠ મહિનામાં 1,884 લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે. જેમાં ચાલુ વર્ષે છેલ્લા આઠ મહિનામાં 384 સુભાષબ્રિજ, 171 વસ્ત્રાલ અને 89 બાવળા આરટીઓ કચેરી દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરાયા છે, જેમાં સુભાષબ્રિજ આરટીઓમાં સુનાવણી બાદ 44 લાઇસન્સ અકસ્માત, 15 લાઇસન્સ ઓવરસ્પીડ, 270 લાઇસન્સ જોખમી ડ્રાઇવિંગ અને 28 લાઇસન્સ હેલ્મેટ ન પહેરનારના સસ્પેન્ડ કર્યા છે. બાવળામાં તો 89માંથી 35 ટકા એટલેકે 30 લાઇસન્સ અકસ્માતના ગુનામાં જ સસ્પેન્ડ કરાયા છે.

સસ્પેન્ડ લાઇસન્સના સમય દરમિયાન પકડાય તો કુલ છ મહિના સસ્પેન્ડ થાય

કોઇ વાહન ચાલકનું ત્રણ મહિના લાઇસન્સ સસ્પેન્ડ થયા પછી પણ તે વાહન ચલાવતો પકડાય તો ફરી સુનાવણીમાં બોલાવાય છે અને તેનું લાઇસન્સ છ મહિના સસ્પેન્ડ કરાય છે. સુનાવણીમાં વાહનમાલિકો વિવિધ દલીલો કરતાં હોય છે પણ દલીલો માન્ય નહીં રાખી આરટીઓ કુલ છ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડનો હુકમ કરતાં હોય છે.

આ ગુનામાં છ મહિના લાઇસન્સ સસ્પેન્ડ થાય છે : આરટીઓ વિભાગ દ્વારા થતી કાર્યવાહીમાં અકસ્માત, ઓવરસ્પીડ કે ડેન્જર ડ્રાઇવિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઇવના ગુનામાં સંબંધિત વાહનચાલકનું છ મહિના લાઇસન્સ સસ્પેન્ડ થાય છે. આ દરમિયાન તે વાહન ચલાવતો પકડાય તો દંડની સાથે જેલની સજા સુધીની કાર્યવાહી પણ થઇ શકે છે.

644માંથી 100 મહિલાઓના લાઇસન્સ સસ્પેન્ડ કરાયાં

સુભાષબ્રિજ આરટીઓ જે. જે. પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં ચાલુ વર્ષે સસ્પેન્ડ 644માંથી 100 લાઇસન્સ મહિલાઓના છે. મહિલાઓ રોંગસાઇડનો વધુ ઉપયોગ કરે છે. તેવા કિસ્સામાં ટ્રાફિક વિભાગ દ્વારા સ્થળ પર મેમો આપી આરટીઓને લાઇસન્સ સસ્પેન્ડ કરવા જાણ કરે છે. જેના આધારે કાર્યવાહી થાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button