GUJARAT

Ahmedabad: ફેક વોટસએપ પ્રોફાઈલથી 86 લાખનું ફ્રોડ : હૈદરાબાદથી આરોપી ઝડપાયો

ફેક વોટસએપ પ્રોફાઈલ ક્રિએટ કરી ડીપીમાં IT કંપનીના માલિકનો ફોટો રાખી એકાઉન્ટન્ટને છેતરી 86 લાખની છેતરપિંડી કરનાર સાયબર ફ્રોડ ગેંગના સાગરીતને સાયબર સેલે તેલંગાણાના હૈદરાબાદથી ઝડપી લીધો છે.

આરોપીઓએ ફેક વોટસએપ પ્રોફાઈલ ક્રીએટ કરી કંપનીના માલિકનો ફોટો ડીપીમાં રાખી એકાઉન્ટન્ટને બેંક ખાતા નંબર સાથે મેસેજ કરી પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું હોવાથી તત્કાળ 86 લાખ મેસેજમાં આપેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા સૂચના આપી હતી. કંપનીના માલિકનો મેસેજ હોવાનું સમજી છેતરાયેલા એકાઉન્ટન્ટે નાણાં ટ્રાન્સફર કર્યા બાદ ફ્રોડની જાણ થઈ હતી. સાયબર સેલની તપાસમાં ઠગોએ ફ્રોડના નાણાં USDTમાં કન્વર્ટ કરી વિદેશ મોકલી દીધાનું ખૂલ્યું હતું. સાયબર સેલે આરોપી પાસેથી 4 મોબાઈલ, 36 ચેક બૂક, RTGS-NEFT વાઉચર બૂક 8,15 સિમકાર્ડ, કમ્પ્યૂટર, ડેબિટ વાઉચર 3, 6 ડેબિટ કાર્ડ અને એક સ્ટેમ્પ વગેરે મળી કુલ રૂ.24 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સાયબર સેલે તેલંગાણાના હૈદરાબાદ ખાતે નલ્લાકુંટામાં રહેતાં સ્વામી અય્યપ્પા નરાવુલા અપ્પારાવ (ઉં,42 )ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી સ્વામી અય્યપ્પા મૂળ આંધ્રપ્રદેશના વેસ્ટ ગોદાવરી માધવરમનો વતની છે. સ્વામી અય્યપ્પા સાયબર ઠગ ટોળકી દ્વારા છેતરપિંડીથી ઓનલાઈન મેળવવામાં આવેલા નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલતો હતો. આરોપી વોટસએપથી વિદેશમાં બેઠેલા સાયબર ઠગો સાથે વાતચીત કરતો તેમજ પોતાનું કમિશન મેળવી ગુનાઈત કૃત્ય આચરતો હતો. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારની ગુનાઈત પ્રવૃત્તી ચલાવતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી ચુક્યો છે. પોલીસે આરોપી પાસેથી ઝડપેલા ચાર મોબાઈલ ફોન, કમ્પ્યુટર-સીપીયુ સહિતના ડીજિટલ ડોક્યુમેન્ટ અંગે તપાસ કરી છે. સાયબર સેલ દ્વારા જરૂર જણાશે આ મામલે એફએસએલની મદદ લેવામાં આવશે.

ખાતા નંબર બીજો મોકલી બેલેન્સ પૂછતા શંકા ગઈ

આઈટી કંપનીના એકાઉન્ટન્ટને માલિક તરીકે ઓળખ આપી મેસેજ કરનાર શખ્સે બેંક ખાતા નંબર મોકલી 86 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તે પછી બીજા મેસેજમાં કેટલું બેલેન્સ રહ્યું છે? તે રકમ બીજો એકાઉન્ટ નંબર મોકલું તેમાં જમા કરાવો તેવી સૂચના આપી હતી. આખરે બીજો બેંક ખાતા નંબર મોકલીને બેલેન્સની પૂછપરછ થતા એકાઉન્ટન્ટને શંકા ગઈ હતી. આથી, તેણે કંપનીના માલિકને ફોન કરતા ભાંડો ફૂટયો હતો.

આર્થિક રીતે નબળા, શ્રમજીવી અને નિરક્ષર લોકોના ડોક્યુમેન્ટથી ખોલેલા બેંક ખાતાનો ઉપયોગ

સાયબર ઠગ ટોળકી દ્વારા ફ્રોડના નાણાં જમા કરાવવા માટે નિરક્ષર અને શ્રમજીવી વર્ગના લોકોના ડોક્યુમેન્ટ લઈ ખોલવામાં આવેલા બેંક ખાતાનો ઉપયોગ થયો હતો. આરોપી પાસેથી મળી આવેલી 15 ચેકબૂકોની પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button