GUJARAT

Ahmedabad: અદાણી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અદાણી યુનિવર્સિટીએ આજે તેનો પ્રથમ દીક્ષાંત સમારોહ શાંતિગ્રામ કેમ્પસમાં ઉજવ્યો હતો. જે અદાણી યુનિવર્સિટીની શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફની સફરમાં નોંધપાત્ર સીમા ચિહ્નરૂપ છે. અદાણી યુનિવર્સિટીના પ્રમુખ ડો. પ્રીતિ અદાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા પદવીદાન સમારોહને વિશ્વના આગવી હરોળના પર્યાવરણીય શિક્ષકોમાંના એક અને અમદાવાદના વિખ્યાત સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સ્થાપક અને ડિરેકટર પદ્મશ્રી કાર્તિકેય વિક્રમ સારાભાઈએ સંબોધન કર્યું હતું.

69 અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી

આ દીક્ષાંત સમારોહમાં એમબીએ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ), એમબીએ (એનર્જી મેનેજમેન્ટ) અને એમટેક (કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ) પ્રોગ્રામના 69 અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જ્યારે 4 વિદ્યાર્થીઓએ તેમના ઉજળા શૈક્ષણિક પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ હાંસલ કરવા સાથે તેઓ માટે શૈક્ષણિક સફરના શુભારંભનું પ્રથમ સોપાન અદાણી યુનિવર્સિટીના ગૌરવપૂર્ણ એમ્બેસેડર તરીકે યાદગાર બની રહેશે.

સ્નાતકોને સંબોધતા મુખ્ય અતિથિ કાર્તિકેય સારાભાઈએ કહ્યું હતું કે તમે જ્યારે કારકિર્દીના નવા પ્રકરણનો ઉઘાડ કરી રહ્યા છો, ત્યારે તમારા માટે રાહ જોઈ રહેલા પડકારોને અસરકારક રીતે ઝીલવા માટે તમારે જે કૂશળતાની જરૂર પડશે તેના પર મંથન કરવું મહત્વપૂર્ણ બની રહેશે. વિકાસની રજેરજની ગતીવિધીમાં સર્વસમાવેશકતાની જરૂરિયાત પર ભાર મૂકીને સારાભાઈએ ભાવિ નેતાઓને સમુદાયો સાથે ઓતપ્રોત થવા અને વિવિધ હિતધારકો સાથે સહયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તકનીકી વિક્ષેપની અસરનો પણ ખ્યાલ આપી ભારપૂર્વક જણાવ્યું કે ટેક્નોલોજીને બાકાત નહી પરંતુ સશક્ત કરવી જોઈએ.

નિષ્ફળતાઓ તમને વધુ પ્રગતિના માર્ગ પર મૂકવામાં મદદ કરે છે: ડૉ. પ્રીતિ અદાણી

2022માં ઔપચારિક મંજૂરી મેળવનાર અદાણી યુનિવર્સિટીની સ્થાપનામાં અથાક પ્રયાસો માટે વરિષ્ઠ નેતૃત્વ, કર્મઠ અધ્યાપકો અને વહીવટી કર્મચારીગણને અદાણી યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. પ્રીતિ અદાણીએ તેમના સંબોધનમાં અભિનંદન આપ્યા હતા.

ડૉ. અદાણીએ શિક્ષણની પરિવર્તનશીલ શક્તિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, “શિક્ષણમાં અકલ્પનીય તેજ છે”. તેમણે ભારતના વડા પ્રધાનના આત્મ નિર્ભર ભારતના વિઝનને અનુરૂપ નવા ભારતને આકાર આપવા માટે જીવન વિજ્ઞાનમાં સંશોધન અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપર ભાર મૂકી આ દીશામાં અદાણી યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. નિષ્ફળતાઓ તમને વધુ પ્રગતિના માર્ગ પર મૂકવામાં મદદ કરે છે, તેવો ઉલ્લેખ કરી તેમણે પ્રત્યેક નિષ્ફળતાઓને વિકાસની તકો તરીકે સ્વીકારવા અપીલ કરી હતી.

અદાણી યુનિવર્સિટીને વૈશ્વિક ફલક ઉપર મૂકવા માટે વૈશ્વિક માન્યતા હાંસલ કરવાની પોતાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી ડો.પ્રીતિ અદાણીએ સ્નાતકોને તેમની યુનિવર્સિટીના એમ્બેસેડર બનવા અને તેમના જ્ઞાનને સામાજિક સુધારણા માટે લાગુ કરવા આહ્વાન કર્યું હતું. સ્નાતકોને પ્રોફેશનલ વિશ્વના ફેરફારો અને પડકારોને સ્વીકારવાની અપીલ કરી તેમણે જણાવ્યું કે જ્ઞાન, દ્રઢતા, તર્કસંગતતા અને બુદ્ધિમત્તામાં રહેલી શ્રેષ્ઠતા તેમને અલગ પાડશે.

અદાણી યુનિવર્સિટીની સ્થાપના બાદ હાંસલ કરેલા શૈક્ષણિક લક્ષ્યોનો અહેવાલ રજૂ કરાયો

અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. રવિ પી સિંઘે અદાણી યુનિવર્સિટીની સ્થાપના બાદ હાંસલ કરેલા શૈક્ષણિક લક્ષ્યોનો અહેવાલ રજૂ કર્યો હતો. વર્ષ 2023-24 માટે યુનિવર્સિટીનો અહેવાલ રજૂ કરતી વખતે, પ્રો. સિંઘે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં અદાણી યુનિવર્સિટીમાં નોંધપાત્ર સીમાચિહ્નો સર કર્યા છે.. અદાણી ગ્રૂપના તજજ્ઞ પ્રોફેશ્નલ્સ સાથેની અમારી ભાગીદારી વર્ગખંડમાં વાસ્તવિક દુનિયાની આંતરદૃષ્ટિ લાવીને શીખવાના અનુભવને સમૃદ્ધ બનાવે છે, એમ તેમણે ઉમેર્યું હતું. દીક્ષાંત સમારોહમાં ગવર્નિંગ બોડીના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમિક કાઉન્સિલ, બોર્ડ ઓફ સ્ટડીઝ, અને કોર્પોરેટ્સના પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સ્નાતક વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને સંશોધન મંડળના ભાગીદારોએ હાજરી આપી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button