અમદાવાદ શહેરને ‘સ્વચ્છ શહેર’ ઘોષિત કરવા મ્યુનિ.ના પદાધીકારી અને અધિકારીઓએ નવો કીમિયો શરૂ કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. સ્કૂલોના વિદ્યાર્થી અને વાલીઓ પાસે સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવવા માટે છેલ્લા કેટલાય દિવસોથી AMC દ્વારા શિક્ષકો પર દબાણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અંગેની એક લિંક જનરેટ કરવામાં આવી છે જેના મારફતે વિદ્યાર્થી અને વાલીઓએ સ્વચ્છતાની પ્રતિજ્ઞા માટેનું પોતાના મોબાઈલમાં ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ કરી જે-તે શિક્ષકને મોકલવાની હાલમાં કાર્યવાહી શરૂ કરાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષકો ભણાવવાના બદલે આ પ્રમાણપત્રો જનરેટ કરવાનો ટાર્ગેટ પૂરો કરવામાં જોતરાયા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.
મોબાઇલમાં આવતાં OTP વાલીઓ આપવા તૈયાર નથી
આ આખીય પ્રક્રિયામાં મ્યુનિ. દ્વારા એક લિંક તૈયાર કરવામાં આવી છે. આ લિંકને જે-તે વ્યક્તિ એટલે કે, વિદ્યાર્થી, વાલી કે તેમના પરિવારના અન્ય સભ્યોએ પોતાના મોબાઇલમાં ઓપન કરવાની થાય. આ લિંક ઓપન કર્યાં બાદ તેમાં નામ, વિધાનસભા વિસ્તાર, મોબાઈલ નંબર દર્શાવવાનો. આ ફોર્મમાં રજૂ કરેલ મોબાઇલ નંબર પર એક OTP આવે છે, જે લખ્યા બાદ જે-તે વ્યક્તિના નામનું એક સ્વચ્છતા પ્રમાણપત્ર જનરેટ થાય છે. અત્યારે સાઇબર ક્રાઈમની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે આવા સંજોગોમાં કોઈ વાલી પોતાના નંબરમાં આવેલો OTP આપવા તૈયાર ન થાય એ પણ સ્વાભાવિક છે. આવી માથાકુટ વચ્ચે શિક્ષકો પર વધુમાં વધુ ફોર્મ ભરાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Source link