ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરીને લઈને શિક્ષકોને ફરી નોટિસ અપાઈ હોવાનું સામે આવ્યું છે. અમુક શિક્ષકોએ દંડની રકમ ભર્યા છતાં ફરી નોટિસ મળતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે.
આ ઉપરાંત રજૂઆતમાં શિક્ષકો દ્વારા મુલ્યાંકન વખતે કરવામાં આવેલી ભૂલની હોર્ડકોપી પણ શિક્ષકોને મળે તે માટે પણ રજૂઆત કરાઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-10 અને 12ની પરીક્ષા બાદ ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરીમાં શિક્ષક દ્વારા ભુલ કરવામાં આવે તો તેમની સામે દંડની કાર્યવાહી થતી હોય છે. વર્ષ 2022 અને 2023ની પરીક્ષા વખતે ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરીમાં ભુલ કરવા બદલ 9,000 કરતા વધુ શિક્ષકો સામે બોર્ડ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિક્ષકો પાસેથી શિક્ષણ બોર્ડે રૂ. 1.50 કરોડનો દંડ વસુલ કર્યો હતો. આ કાર્યવાહી વખતે 2022ની ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરીમાં ભુલ કરનારા ધોરણ 10ના 787 અને ધોરણ 12ના 1870 મળી કુલ 2657 જેટલા શિક્ષકોએ રૂ. 50 લાખ જેટલો દંડ ભર્યો ન હતો. જેથી શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષકોને નોટિસ આપી તેમને દંડ ભરવા માટે જણાવાયું છે. જોકે, શિક્ષકોને નોટિસ આપી દંડ વસુલ કરવા માટેની આ કાર્યવાહી દરમિયાન અમુક શિક્ષકોએ અગાઉ દંડ ભરી દીધી હોવા છતાં તેમને ફરી નોટિસ મળી હોવાની વિગતો સામે આવી છે. આમ, એક વખત દંડની રકમ ભર્યા બાદ પણ ફરી દંડ ભરવા માટે નોટિસ મળતા શિક્ષકો ચિંતામાં મુકાયા છે.
આ બાબત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ધ્યાને આવતા ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધ્યક્ષે રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરી શિક્ષકોએ દંડની રકમ ભરી દીધી હોવા છતાં તેમને ફરી નોટિસ મળી હોવાની બાબત ધ્યાને મૂકાઈ છે. શિક્ષકોને એક જ ભૂલ માટે ફરીથી નોટિસ અપાય તે યોગ્ય ન હોવાનું જણાવી પારદર્શક પ્રક્રિયા બનાવવા માંગણી કરાઇ હતી.
Source link