- વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો હિરેન પંચાલ મેટ્રોમોનીયલ સાઈટ પર પોતાની અલગ અલગ પ્રોફાઈલ બનાવતો
- અવિવાહિત હોવાનું જણાવી અલગ અલગ યુવતીઓને ફસાવતો હતો
- હિરેન પંચાલની રામોલ પોલીસે ધરપકડ કર્યા બાદ તેના કારનામાનો પર્દાફાશ થયો
મેટ્રોમોનીયલ સાઈટ પરથી જીવનસાથીની શોધમાં રહેલી યુવતીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો હિરેન પંચાલ મેટ્રોમોનીયલ સાઈટ પર પોતાની અલગ અલગ પ્રોફાઈલ બનાવતો અને પોતે અવિવાહિત હોવાનું જણાવી અલગ અલગ યુવતીઓને ફસાવતો હતો.
હિરેન વિરુદ્ધ એક બાદ એક બે ફરિયાદો અલગ અલગ પોલીસ મથકે નોંધાઈ
જો કે તેની આ કરતુતનો પર્દાફાશ થતાં હિરેન વિરુદ્ધ એક બાદ એક બે ફરિયાદો અલગ અલગ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં છેતરપિંડી, બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ રામોલ અને ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વસ્ત્રાલમાં રહેતા હિરેન પંચાલની રામોલ પોલીસે ધરપકડ કર્યા બાદ તેના કારનામાનો પર્દાફાશ થયો છે.
બંને યુવતીઓ સાથે આરોપીએ શરીર સંબંધ બાંધ્યા હતા
જેમાં સૌ પ્રથમ તેના લગ્ન થયા બાદ તેણે છૂટાછેડા લીધા હતા, જે છૂટાછેડા બાદ તેણે અલગ અલગ બે યુવતીઓ સાથે સંપર્ક બનાવી તેમની સાથે મંદિરમાં ફુલહાર કર્યા અને આ બંને યુવતીઓ સાથે તેને શરીર સંબંધ બાંધ્યા હતા. સાથે જ યુવતીઓ પાસેથી રુપિયા પણ પડાવી લેતો હતો. જેમાં ચાંદખેડાની ફરિયાદી પાસેથી રૂપિયા 6 લાખની લોન કરાવી, આ તમામ રુપિયા અને દાગીના પડાવી લીધા હોવાનું પણ સામે આવ્યુ છે. જો કે ફરિયાદી સરકારી કર્મચારી હોવાથી પોતાના લગ્નની નોંધણી કરવાનું દબાણ કરતા આરોપી હિરેન પંચાલ તેની સાથે મારઝૂડ કરી અને તેને તરછોડી ફરાર થઈ ગયો હતો.
બે બનાવટી લગ્ન બાદ પણ વધુ એક યુવતીને શિકાર બનાવવા મેટ્રોમોનીયલ સાઈટ પર પ્રોફાઈલ બનાવી
આરોપીએ બે બનાવટી લગ્ન બાદ પણ વધુ એક યુવતીને પોતાનો શિકાર બનાવવા પોતાની મેટ્રોમોનીયલ સાઈટ પર પ્રોફાઈલ બનાવી હતી. જે પ્રોફાઈલમાં તે અવિવાહિત હોવાનું જણાવતો હતો. જે અંગે બંને ભોગ બનનારને ખબર પડતા આરોપી હિરેન પંચાલ વિરુદ્ધ એક બાદ એક ફરિયાદો નોંધાવી છે.
Source link