GUJARAT

Ahmedabad: બુટલેગરનું દારૂની હોમ ડિલિવરી કરવાનું રેકેટ ઝડપ્યુ, થયા મોટા ખુલાસા

  • બોડકદેવ પોલીસે કિશોરની અટકાયત કરી સમગ્ર રેકેટ ઝડપ્યુ
  • બુટલેગર વિરૂદ્ધ અમદાવાદ અને સાબરકાંઠામાં કુલ 20 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા
  • બુટલેગર અંકિત વિરુદ્ધ ગુજસીટોક ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરાઈ

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં એક કુખ્યાત બુટલેગરે દારૂની હોમ ડિલિવરી કરવા માટે સગીરોનો દૂર ઉપયોગ કરી એક નવી સિસ્ટમ ઉભી કરી છે. જેમાં સગીરોને પગાર પર રાખીને દારૂની હોમ ડિલિવરી કરવામાં આવતી હતી.

દારૂની ડિલિવરી માટે કિશોરને 8 હજાર રૂપિયાના પગાર પર રાખ્યો

બોડકદેવ પોલીસે નર્મદા આવાસ પાસેથી ટુ વ્હીલર લઈને પસાર થતા એક કિશોર પર શંકા જતા તેને રોકીને તેની અટકાયત કરી હતી. તપાસ કરતા એક્ટિવામાંથી 6 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે કિશોરની પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો હતો કે બુટલેગર અંકિત પીતાંબર પરમાર દ્વારા દારૂની ડિલિવરી માટે કિશોરને 8 હજાર રૂપિયાના પગાર પર રાખ્યો હતો. એટલું જ નહીં દારૂની એક બોટલની ડિલિવરી કરે તો 200 રૂપિયાનું કમિશન પણ આપવામાં આવતું હતું. જે મામલે બોડકદેવ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સામે કાર્યવાહી કરી બુટલેગર અંકિતની વધુ તપાસ શરૂ કરી છે.

બે મહિનાથી દારૂની હોમ ડિલિવરી કરવામાં આવતી હતી

કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પૂછપરછ કરતા સામે આવ્યું કે બુટલેગર અંકિતે દારૂની ડિલિવરી કરવા માટે કિશોરને સમજાવતો હતો અને કહેતો હતો કે તમારી ઉંમર નાની છે. જેથી પોલીસ ક્યાં પણ રોકશે નહીં અને તમારી પર પોલીસ કેસ કરશે નહીં. દારૂની ડિલિવરી કરવાના તમને સારા પૈસા મળશે. આ કિશોર પાસેથી છેલ્લા બે મહિનાથી દારૂની હોમ ડિલિવરી કરવામાં આવતી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

બુટલેગર અંકિત કિશોરને એકટીવા અને મોબાઈલ ફોન આપતો

સાથે જ પકડાયેલ કિશોર સહિત અન્ય કેટલાય કિશોરને બુટલેગર અંકિત દ્વારા નોકરી પર રાખીને દારૂની હેરાફેરી કરાવીને ગુનો કરાવતો હતો. જોકે દારૂની હોમ ડિલિવરી કરવા માટે બુટલેગર અંકિત એકટીવા અને મોબાઈલ ફોન કિશોરને આપતો હતો. જે મોબાઈલ ફોન પર અલગ અલગ જે જગ્યા કહે ત્યાં દારૂની બોટલ કિશોર આપી આવતો હતો.

બુટલેગર વિરુદ્ધ અમદાવાદ અને સાબરકાંઠામાં કુલ 20 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા

કુખ્યાત બુટલેગર અંકિત વિરુદ્ધ અમદાવાદ અને સાબરકાંઠામાં કુલ 20 પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. જો કે શહેર પોલીસ દ્વારા બુટલેગર અંકિત વિરુદ્ધ ગુજસીટોક ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરાઈ રહી છે. નોંધનીય છે કે બુટલેગર દ્વારા પોલીસથી બચવા અવનવા કીમિયા અજમાવતા હોય છે. જોકે દારૂની હોમ ડિલિવરી માટે પહેલા મહિલાનો ઉપયોગ કરતા હતા અને હવે બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આવા બુટલેગરો પર કાયદાનો સકંજો કસવા માટે પોલીસ શું કાર્યવાહી કરે છે, તે જોવુ મહત્વનું છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button