શહેર ગોમતીપુર વિસ્તારનો પોક્સો કાયદાનો એક વિચિત્ર કહી શકાય તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીરાને ભગાડયા બાદ કેસ થતા યુવકે જેલવાસ કાપ્યો હતો. જેલમાંથી જામીન મળ્યા બાદ તે જ યુવક ફરી તે જ સગીરાને ભગાડી ગયો હતો. જેથી બીજો કેસ થયો હતો.
આ બન્ને કેસો અમદાવાદની સ્પે. કોર્ટમાં ચાલતા ખાસ જજ ચિન્મય જી. મહેતાએ બીજી વાર ભગાડી જવાના કેસમાં આરોપી ધવલજી ઉર્ફે ભયલુ બીજલજી ઠાકોરને ગુનેગાર ઠરાવીને વીસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જયારે પહેલાં ભગાડી જવાના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુક્યો છે. ઉપરાંત બન્ને કેસમાં યુવકને મદદ કરનાર આરોપીને શંકાના આધારે નિર્દોષ છોડી મુક્યો છે. વડોદરા ખાતે રહેતો 22 વર્ષિય ધવલજી ઉર્ફે ભયલુ બીજલજી ઠાકોરને અમદાવાદમાં રહેતી 15 વર્ષિય મીના (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) સાથે પ્રેમ થઇ ગયો હતો. તેથી 16 સપ્ટે. 2019ના રોજ મીનાનું અપહરણ કરી વડોદરા લઇ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ મામલે સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે તેને 22 સપ્ટે. 2019ના રોજ ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં ધવલજીને જામીન પર કોર્ટે મુક્ત કર્યો હતો. મુક્ત થયા બાદ તે ફરી મીનાના સંપર્કમાં આવ્યો હતો અને 12 ફેબ્રુઆરી 2020ના રોજ ફરી મીનાનું અપહરણ કરી લઇ ગયો હતો. આ મામલે મીનાની માતાએ નવેસરથી બીજી ફરીયાદ ધવલજી સામે કરી હતી. જે કેસમાં સરકારી વકીલ ભરત પટણી અને દેવેન્દ્ર પઢીયારે પુરતા સાક્ષી તપાસી તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સામે ગુનો પુરવાર થાય છે, આરોપીને ફરીયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે, આરોપી જામીન મળ્યા બાદ ફરી સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.
Source link