ગુજરાતમાં સસ્તા અનાજની રેશનિંગ દુકાનદારોની હડતાળ ચાલી રહી છે, જેથી મધ્યાહન ભોજન યોજનાના શાળાઓના 43 લાખ જેટલા બાળકોના બપોરના ભોજન ઉપર અસર થઈ રહી છે, કેટલાક સેન્ટરો ઉપર ભોજન બંધ છે તો ક્યાંક બજારથી અનાજની ખરીદી કરીને ભોજન અપાઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે.
પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘે આ યોજનાના કમિશનર સમક્ષ અનાજ, તેલનો જથ્થો મળી રહે તે માટેની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માગણી કરી છે. એકંદરે બાળકોને પોષણક્ષમ આહાર પૂરું પાડવાની યોજનાને અસર થઈ છે. ગુજરાતમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજનામાં 43 લાખ બાળકોના ભોજન ઉપર વિપરિત અસર થઈ છે. રાજ્યના 28 હજાર જેટલા ભોજન યોજનાના શાળા કક્ષાએ આ રેશનિંગ દુકાનેથી અનાજ કઠોળ તેલ વગેરેનું વિતરણ થાય છે, ભોજન યોજનામાં તુવેર દાળની છેલ્લા ત્રણ માસથી તંગી વર્તાઈ રહી છે અને હવે અનાજ વિતરણ ન થવાથી બાળકોના બપોરના ભોજનની વ્યવસ્થા પર અસર થઈ છે.
તહેવારોના સમયે લોકોને અનાજ-તેલ માટે ધક્કા
રાજ્યના 17 હજાર રેશન સંચાલકોને સપ્ટેમ્બર માસનું 20 હજાર કમિશન ચુકવાયું નથી. દિવાળીના તહેવારોમાં વધારાની ખાંડ અને તુવેર દાળ આપવાની જાહેરાત કરાઈ છે પણ ગોડાઉનમાં જથ્થો ન હોવાનો દાવો દુકાન સંચાલકોએ કર્યો છે. રેશન કાર્ડ ધારકો અત્યારે અનાજ માટે ધક્કા ખાઈ રહ્યા છે.
ગુજરાતમાં 5.70 લાખથી વધુ બાળકો કુપોષિત
રાજ્યના અંદાજે 5.70 લાખથી વધુ બાળકો કુપોષિત છે, અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 57 હજાર જેટલા જ્યારે દાહોદમાં 51 હજારથી વધુ બાળકો કુપોષિત છે. આંગણવાડીમાં ન જતાં હોય તેવા કુપોષિત બાળકોની સંખ્યા પણ લાખોમાં છે.
Source link