શહેરની સિવિલ હોસ્પિટલમાં સતત અંગદાનનું પ્રમાણ વધ્યું છે. જેમાં જાન્યુઆરી-2024 થી અત્યાર સુધીના 11 મહિનામાં 36 જેટલા અંગદાન થયા છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં 175મું અંગદાન થયું છે. તાજેતરમાં અમરાઈવાડીના સતિષ ચૌહણને બ્રેઈન હેમરેજ થયું હતું. જે પછી 27 નવે.ના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દરમિયાન તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જે પછી 30 નવે.ના તેમજને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આ પછી તેમના પરિવારને સમજાવી અંગદાન કરાવવામાં આવ્યું હતું.આ અંગે માહિતી આપતા સિવિલના તબીબી અધિક્ષક ડો.રાકેશ જોષીએ જણાવ્યું કે, સતિષભાઈના પરિવારને અને અન્ય હાજર સગા-વ્હાલાને બ્રેઈનડેડ અંગે માહિતી આપવામાં આવી હતી. અચાનક આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં પરિવારજનોએ ભગવાનને ગમ્યું તે ખરુ તેમ માનીને હકીકતનો સ્વીકાર કર્યો. આ પછી બીજા કોઈ માસુમના માથેથી પિતાની છત્રછાયા ન છીનવાય તેવા ઉમદા હેતુથી પરિવાર અંગદાન માટેનો નિર્ણય કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 568 અંગોનું દાન મળ્યું હતું. જેના દ્વારા 550 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. હાલમાં દાનમાં મળેલ 2 કિડની તેમજ એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે જ અત્યાર સુધીમાં 316 કિડની, 152 લીવર, 52 હૃદય, 30 ફેંફસા, 10 સ્વાદુપિંડ, 02 નાના આંતરડા, 06 હાથ, 05 સ્કીન અને 116 આંખોનું દાન મળ્યું છે.
Source link