સેન્ટ્રલ બોર્ડ ઓફ્ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ-10 અને 12ની તા.1લી જાન્યુઆરીથી શરૂ થનારી પ્રેક્ટિકલ પરીક્ષાને લઈ માર્ગદર્શીકા જાહેર થઈ છે. બોર્ડે જાહેર કરેલી માર્ગદર્શીકા મુજબ પરીક્ષા શરૂ થાય તે સાથે જ એસેસમેન્ટ બાદ વિદ્યાર્થીઓના માર્ક્સ લિંકમાં અપલોડ કરવા માટે પણ જણાવાયું છે.
માર્કસ અપલોડ કરતી વખતે શાળાના આચાર્યએ ખાતરી કરવાની રહેશે કે વિદ્યાર્થીઓના સાચા ગુણ જ અપલોડ કરવામાં આવે. કારણ કે, એકવાર માર્ક અપલોડ કરવામાં આવ્યા બાદ તેમાં પાછળથી કોઈ પણ પ્રકારના સુધારાની મંજુરી આપવામાં આવશે નહીં. CBSEની ધોરણ-10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરી, 2025થી શરૂ કરવામાં આવનાર છે. આ પરીક્ષા 14 ફેબ્રુઆરી સુધીમાં પુર્ણ કરવા માટે સ્કૂલોને સુચના આપવામાં આવી છે. CBSE બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ-12ની પ્રાયોગિક પરીક્ષાઓ બાહ્ય પરીક્ષકો દ્વારા લેવામાં આવશે. શાળાઓએ એ પણ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, બોર્ડ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા પરીક્ષક દ્વારા જ વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવે. વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓનું સમયપત્રક જોઈને ડેટશીટ તૈયાર કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓએ સમયપત્રક મુજબ પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બીજી તક આપવામાં આવશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ધોરણ-10ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ સ્કૂલ દ્વારા જ કરાવવાના રહેશે. ધોરણ-10ની પ્રેક્ટિકલ પરીક્ષા માટે બહારથી કોઈ પરીક્ષક આવશે નહીં. શાળાઓએ જાતે જ પ્રેક્ટિકલની આન્સર શીટની વ્યવસ્થા કરવાની રહેશે. ધોરણ-12ના મહત્વના વિષયોની પ્રેક્ટિકલ માટે બહારથી પરીક્ષા આવશે. જ્યારે શાળાના શિક્ષકો તેમની મદદ કરશે. બોર્ડ દ્વારા પરીક્ષા પર નજર રાખવા બહારથી સુપરવાઈઝર પણ મોકલવામાં આવી શકે છે.
Source link