ગુજરાતની શાળાઓમાં શિક્ષકો વિના વિદ્યાર્થીઓની હાલત કફોડી બનતાં અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોવાથી આખરે સંચાલકો મુખ્યમંત્રીના શરણે પહોચ્યાં છે. પૂરતા સહાયકો સ્કૂલોમાં મળ્યા ન હોવા છતાં શાળાઓની કચેરીના નિમાયમકે જાણે આંખે પાટા બાંધી દીધા હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.
આખરે કંટાળેલા સંચાલક મંડળે મુખ્યમંત્રીને લેખીત રજૂઆત દ્વારા માગ કરી છે કે, જે શાળાઓમાં જ્ઞાન સહાયક મળ્યા નથી એવી શાળાઓમાં પ્રવાસી શિક્ષકો ભરવાની મંજુરી આપવામાં આવે.
ગત વર્ષથી પ્રવાસી શિક્ષક યોજના બંધ કરી કરાર આધારીત જ્ઞાન સહાય યોજના લાગુ કરી હતી. જેમાં કેન્દ્રીયકૃત રીતે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગત વર્ષે જ્ઞાન સહાયકની ભરતી બાદ અનેક સ્કૂલોમાં સહાયકો હાજર થયાં બાદ છોડીને જતા રહ્યાં હતાં તો ઘણી સ્કૂલોમાં સહાયક મળ્યા નહોતાં. અંદાજે 2 હજારથી 2,500 જેટલી જગ્યા ખાલી રહેતાં શિક્ષણકાર્ય ખોરવાયું હતુ. જોકે ચાલુ વર્ષે પણ આજ સ્થિતિ સર્જાઈ તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. કારણ કે, હાલમાં જે જગ્યાઓમાં જ્ઞાન સહાયકની ફાળવણી કરવામાં આવી રહી છે એમાં ખાલી જગ્યા સામે 50 ટકાની ફાળવણી થઈ છે અને ફાળવ્યાં છે એમાં પણ ઘણા હાજર થયાં નથી. જોકે આ સ્થિતિમાં બીજો વિકલ્પ આપવામાં નહી આવે તો વિદ્યાર્થીઓના ભાવી સાથે રીતસરના ચેડા થઈ શકે છે. જેથી મંડળ દ્વારા જ્યાં સહાયક ન મળે એવી શાળાઓમાં પ્રવાસી શિક્ષક ભરવાની મંજુરી માટે માગ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અપૂરતા શિક્ષકોને લઈ રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થયુ ત્યારથી વિવાદ ચાલી રહ્યો હોવા છતાં કમિશનર ઓફ સ્કૂલની કચેરીના નિયામકે આ મુદ્દે યોગ્ય રસ્તો કાઢવાની કોઈ જ પડી ન હોવાના સંચાલકો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યાં છે.
Source link