NRI વૃદ્ધની જમીન પચાવી પાડવા માટે કારસો રચનારા પાંચ આરોપીઓની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદીના 3 બનાવટી આધારકાર્ડ બનાવી બેન્ક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા. સમગ્ર મામલાની જાણ ફરિયાદીને થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં આરોપીઓના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
આરોપીઓએ અલગ અલગ ચાર બેન્કોમાં બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા
અમદાવાદ સાયબર ક્રાઈમે 5 આરોપી મુકેશ ગોંડલીયા, મુકેશ ઉર્ફે દાદા ગોસ્વામી, ધીરજ પટેલ, કિસ્મત અલી કુરેશી અને કમલેશ જોશીની ધરપકડ કરી છે. જે આરોપીઓએ ફરિયાદીની ગાંધીનગરના ગિફ્ટ સિટી પાસે આવેલી કરોડો રૂપિયાની જમીન પચાવી લેવા માટે ષડયંત્ર રચ્યું હતું અને તેના માટે ફરિયાદીના ત્રણ જેટલા બનાવટી આધાર કાર્ડ બનાવ્યા હતા. જે આધાર કાર્ડની મદદથી આરોપીઓએ અલગ અલગ ચાર બેન્કોમાં બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. યસ બેન્ક, કોટક બેંક, સરસપુર નાગરિક કો ઓપરેટિવ બેન્ક અને આર બી એલમાં ફરિયાદી પ્રભુદાસના નામે એકાઉન્ટ ખોલાવ્યા હતા. જે બેન્ક એકાઉન્ટની મદદથી ફરિયાદી પ્રભુદાસના નામે વ્યવહારો કરી કરોડોની જમીન પચાવી લેવાનું ષડયંત્ર રચાયું હતું. જોકે આરોપીઓ ષડયંત્રમાં સફળ થાય તે પહેલા જ તેમની કરતુતોનો પર્દાફાશ થયો છે.
આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઈતિહાસ
આ સમગ્ર ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ મુકેશ ગોસ્વામી છે. કમલેશ જોષી નામનો આરોપી ફરિયાદીની તમામ હકીકત લઈને મુકેશને આપી હતી અને ત્યારબાદ તેમણે અન્ય આરોપીઓની મદદ લઈને આ કાવતરું રચ્યું હતું. ફરિયાદીનો આધારકાર્ડ બનાવવા માટે તેઓએ પગી તરીકે કામ કરતા મુકેશ ગોંડલીયાના ફોટાનો ઉપયોગ કર્યો હતો. પકડાયેલ આરોપીઓ મોટાભાગે ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. જેમાં મુકેશ ગોસ્વામી વિરુદ્ધ 7 જેટલા ગુના, ધીરજ પટેલ વિરુદ્ધમાં ત્રણ ગુના, કિસ્મત અલી વિરુદ્ધ એક અને કમલેશ વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયો છે.
પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી
હાલમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ બનાવટી આધાર કાર્ડ બનાવવા માટે કોની કોની મદદ લેવાઈ હતી અને ક્યાંથી આધારકાર્ડ બનાવ્યા હતા, તેની તપાસ શરૂ કરી છે. જો કે આરોપીઓએ આ સિવાય અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે, તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.
Source link