તાજેતરમાં ડીજીટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમમાં પણ એક સિનિયર સિટિઝન પાસેથી આ મોડસ ઓપરેન્ડીથી રૂપિયા 1 કરોડ 15 લાખ પડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. જે અંગે ફરિયાદ નોંધીને સાયબર ક્રાઈમે વધુ તપાસ શરૂ કરી હતી.
આરોપીઓએ ગુજરાતના અનેક જિલ્લામાં બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા
સાયબર ક્રાઈમને સફળતા મળતા રાજસ્થાનની ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસે શિવરાજ જાટ, કમલેશકુમાર બિશ્નોઈ અને નથુરામ જાટની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ રૂપિયા આરોપી શિવરાજ જાટના બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતા. જો કે મહત્વની બાબત તો એ છે કે છેતરપિંડીના રૂપિયા જમા કરાવવા માટે આરોપીઓએ ગુજરાતના અનેક જિલ્લામાં બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. પરંતુ આ ગેંગનો માસ્ટર માઈન્ડ કોણ છે અને તેના તાર ક્યાં સુધી લંબાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા
આ કેસના ફરિયાદીને વોટ્સઅપ કોલ કરીને દિલ્હી પોલીસમાંથી બોલી રહ્યા હોવાની ઓળખ આપી હતી અને ફરિયાદીના આધારકાર્ડનો ઉપયોગ કરીને એક પાર્સલ મોકલવામાં આવ્યું છે. જેમાં 16 પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થઈ છે અને કોર્ટે અરેસ્ટ વોરંટ ઈશ્યુ કર્યું છે. જો ફરિયાદી તેમની તપાસમાં સહકાર નહીં આપે અને તેમના કહ્યા મુજબ નહીં કરે તો તેમને કેસમાં ફસાવી દેવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે.
રૂપિયા 1 કરોડ 15 લાખ ટ્રાન્સફર કરાવી લીધા
જેથી ફરિયાદીને ડિઝિટલ એરેસ્ટ કરીને તેમનું નિવેદન મેળવવાના નામે ફરિયાદીને વીડિયો કોલ કરીને તેમના બેન્ક બેલેન્સની માહિતી મેળવીને બેન્ક એકાઉન્ટમાં જમા રૂપિયા વેરીફાઈ કરવા માટે ટ્રાન્સફર કરી આપવા માટે કહ્યું હતું. આમ ફરિયાદીને ડરાવી ધમકાવીને તેમની પાસેથી રૂપિયા 1 કરોડ 15 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 11 લાખ રૂપિયા રોકડા કબ્જે કર્યા છે. જ્યારે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 63 લાખ 60 હજાર ફ્રીઝ કરાવવામાં આવ્યા છે. હાલમાં પોલીસે આ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આ ગેંગના મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.
Source link